ગમતાનો કરીએ ગુલાલ
“હું ય વરસ્યો છું ખૂબ જીવનમાં,
હું ય બહુ ધોધમાર જીવ્યો છું. ”
-શ્રી અમૃત “ઘાયલ”
કવિના આ શેરમાં જીવનને ભરપૂર માણવાની વાત કહેવાઇ છે. સમાજમાં આપણી આજુબાજુ કેટલાય એવાં પાત્રો જોવા મળે છે જેમના જીવનમાં જાણે કે દુ:ખના મહાસાગર છલકાયા હોય. એ કાયમ રડતા ચહેરા લઇને જ ફરતા હોય છે. એ જ્યારે પણ મળે ત્યારે ફરિયાદ જ કરતા હોય છે. ભવિષ્યની ચિંતામાં એ પોતાના વર્તમાનને બગાડી નાખે છે. આવા લોકો વીતી ગયેલી ક્ષણો નહીં માણ્યાનો પસતાવો પણ સતત કરતા રહે છે. અને તે છતાં તેમને તેમાંથી પાઠ લઇને પોતાના વર્તમાનને સુધારી લેવાનું સૂઝતુ નથી. કવિ કહે છે જીવનમાં હું ખૂબ વરસ્યો છું અને ધોધમાર જીવ્યો છું. સામાન્ય રીતે વરસાદ ધોધમાર પડતો હોય છે, અહીં કવિએ ધોધમાર જીવવાનું કબૂલ્યુ છે ! આપણે ધોધમાર વરસાદને જોયો છે. માણ્યો છે. અરે આંખો બંધ કરીને એકલાં એકલાં મનોમન એમાં ભીંજાવાની અનુભૂતિ પણ કરી છે. કવિ આવી રીતે જીવન જીવ્યા છે. ધોધમાર જીવવું એટલે ખૂબ મોટા ગજાની વાત કરવી. કેટલી અનુભૂતિની અહીં વાત છે.
જીવનમાં વ્યક્તિ ઘણું બધુ કરી શકે છે. તેને માટે જરૂરત છે નિરાશા – હતાશાને દૂર હડસેલવાની, નિરાશા ભરેલું મન વ્યક્તિને કશું જ નવું કરવા નથી દેતું. કવિ જીવનમાં ખૂબ વરસ્યા છે. એટલે કે તેમણે એમના જીવનમાં જે પાત્રો આવ્યા છે તેમના ઉપર સ્નેહની , હેતની વર્ષા વરસાવી છે. શું આપણે પણ આપણા જીવનમાં જે અંતરંગ અથવા તો જે ખૂબ જ નજીકનાં પાત્રો છે તેમના પર હેતની હેલી ન વરસાવી શકીએ ? જીવનમાં આપણે જે હેત વરસાવશું, પ્રેમની જે ધારા વહાવશું તે જ આપણા ગયા પછી સૌને યાદ રહેશે અને આપણી પ્રેમની ધારામાં ન્હાઇને કોઇ અન્ય વ્યક્તિ પણ તેવી ધારા વહાવે તો આવી અનેક ધારાઓ એકત્ર થઇ ને પ્રેમની અવિરત ગંગા વહેતી થઇ જાય… હયે હૈયું ધોધમાર વર્ષે તો વેર ઝેર- ઇર્ષ્યા- છળકપટ નાં દૂષણો સમાજમાંથી દૂર થવામાં જરા ય વાર નહિ લાગે.
અનંત પટેલ