ગમતાનો કરીએ ગુલાલ
“ એક એવું ઘર મળે આ વિશ્વમાં,
જ્યાં કશા કારણ વિના પણ જઇ શકું;
એક એવું આંગણું કે જ્યાં મને ,
કોઇ પણ કારણ વિના શૈશવ મળે. “
— શ્રી માધવ રામાનુજ
આપણા મોટા ગજાના કવિશ્રીના એક કાવ્યની શરુઆતની આ પંક્તિઓ મને વાંચતાંની સાથે ખૂબ જ ગમી ગઇ. આપણી આજુબાજુ ઘણા બધા લોકો રહે છે. સ્નેહીઓ–મિત્રો-કુટુંબીજનો વગેરે, પણ શું આપણે કોઇના ઘરે કશા કારણ કે કામ વિના ક્યારેય જઇએ છીએ ખરા ? એવું જ અન્યનું પણ છે. એટલે કે કોઇ અન્ય આપણા ઘરે પણ મહદઅંશે કામ વિના આવતું જ નથી. આપણે સમાજમાં કેવા નિયમો અને ધોરણો બનાવ્યા છે ? ઘણી વાર એવું નથી થતું કે આવા નિયમો ન હોવા જોઇએ? શું કોઇ સ્નેહીજનને કશું કામ ન હોય તો પણ અમથા અમથા મળવા ન જવાય ? આપણે રોજ કોઇને ત્યાં પેલા ગુંદરિયા મહેમાન બનીને નથી જવું. ક્યારેક ખૂબ અકળામણ થઇ હોય ને મન હળવું કરવા કોઇને મળીએ તો એમાં ખોટું શું છે ? દરેક વખતે કશુંક કારણ હોવું જ જોઇએ ? કવિ આપણને આપણો જ એક પ્રશ્ન આપીને ઉભા છે.
બીજી કડીઓમાં કવિ કહે છે શું એકાદ એવું આંગણું મને મળી શકે જ્યાં જતાં જ મને મારું બાળપણ મળી આવે ? એવું સ્થળ જ્યાં જઇને મારે કશો ય પ્રયત્ન ન કરવો પદે , અરે એ આંગણામાં જએવું કશું ક હોય જ્યાં હું જાઉં ને મારું બાળપણ મારામાંથી ઉછળીને બહાર આવીને ત્યાં કૂદવા મંડે !!! કવિએ આ પંક્તિઓમાં આપણા સૌના મનની વેદનાને – મૂઝવણને સુંદર રીતે વાચા આપી છે. ચાલો આપણે કવિએ જણાવ્યા મુજબના ઘર અને આંગણાની શોધ કરીએ, કદાચ એ ક્યાંક મળે પણ ખરું…