હેલ્લો દોસ્તો….!!!
આવી ગયો છે ફરીથી મારો અને તમારો એટલે કે આપણો ખાસ દિવસ – ફ્રેન્ડશિપ ડે…. સહુથી પહેલા તો મારા તમામ વાચકમિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ અને વ્હાલ. આમ તો કોઈ ખાસ પ્લાનિંગ હતુ નહિ આ આર્ટિકલ લખવા વિશેનું પણ અચાનક જ પાછલા રવિવારે ખાસ આર્ટિકલ ફ્રેન્ડશિપ ડે માટે આપણો મૂડ બની ગયો…ને પછી તો પાર્ટી ફુલ મોજમાં….આખિર બાત દોસ્તી કી હૈ તો… જોકે મૌલિકભાઈ અને હાર્દિકભાઈ બંને મારા સિનિયર ફ્રેન્ડ છે હો…હંમેશા ગાઈડ કરે મને…
દોસ્તો, મારા મતે આમ તો એવી કોઈ ખાસ વાત નથી આ ફ્રેન્ડશિપ ડેની એકદિવસીય ઉજવણીમાં, કારણ કે મને નથી લાગતું કે કોઈ પણ વ્યક્તિના જીવનમાં એવો એક પણ સિંગલ દિવસ હોય કે જે કોઈ દોસ્ત વગર પસાર થાય. અપના તો હર ડે ફ્રેન્ડશિપ ડે હોતા હૈ… નાના-મોટા, આબાલ-વૃદ્ધ, યુવાન-વરિષ્ઠ દરેક ઉંમરની વ્યક્તિને કોઈક તો દોસ્ત હોય જ છે. દોસ્ત એ ખભો છે જ્યાં તમે માથું મૂક્યા પછી કમ્ફર્ટ અનુભવો છો. દોસ્ત એ હાથ છે જેને થામ્યા પછી તમે કોઈ પણ મંજિલ આસાનીથી પાર કરી લો છો. દોસ્ત એ શબ્દ છે જેને તમે અને એ તમને વગર ઉચ્ચાર્યે સમજી જાવ છો. દોસ્ત એ લાગણી છે જેને વ્યક્ત કર્યા વગર મહેસૂસ કરી શકાય છે અને એથી જ તો દોસ્તીની પદવી સર્વોચ્ચ ગણાય છે.
આમ, તો દોસ્તોની પસંદગીનો કોઈ ખાસ ક્રાઈટેરિયા નથી હોતો પણ છતાં પણ કોઈ પણ નવી વ્યક્તિના સંપર્કમાં આવ્યા પછી થોડું એલર્ટ રહેવું જરૂરી છે કારણ કે જ્યારે સંજોગો ખરાબ હોય ને ત્યારે આપણો જ ખાસ મિત્ર આપણો સૌથી મોટો શત્રુ બની જાય છે. જો મિત્ર દુર્યોધન માટે કર્ણ જેવો અને અર્જુન માટે શિખંડી જેવો હોય તો કઈં જ વાંધો નથી, પરંતુ જો તે ચંદ્રગુપ્ત માટે આંભિક કુમાર અને પોતાની માતૃભૂમિ માટે કન્નૌજના રાજા જયચંદ જેવો હોય ત્યારે સંબંધો અને પોતાની – બંનેની સુરક્ષા માટે વિચારવું જરૂરી બની જાય છે. એક સમયે તક્ષશિલાના ગુરુકુળમાં આચાર્ય સુખદેવના કહ્યા પ્રમાણે આંભિકે ચંદ્રગુપ્ત સમક્ષ મિત્રતાનો હાથ લંબાવ્યો હતો અને ચંદ્રગુપ્તે વગર વિચાર્યે એ પ્રસ્તાવને સ્વીકાર્યો પણ હતો. આ જ વાતનો લાભ ઊઠાવીને આંભિકની એક યોજના અન્વયે ચંદ્રગુપ્ત મૃત્યુને દ્રારે પહોંચી ગયો હતો જો કે આચાર્ય ચાણક્યની દીર્ઘદ્રષ્ટિ અને સમયસૂચકતાને લીધે તે બચી ગયો હતો. ક્ન્નૌજના રાજા જયચંદે પણ અજમેરનરેશ પૃથ્વીરાજ ચૌહાણ સામે બદલો લેવા પોતાની માતૃભૂમિ તકને ગિરવે મૂકી દીધી હતી. આવા દોસ્તોથી બચીને રહેવું જરૂરી છે. આ કથનોનો ઉદ્દેશ કોઈ પણ વ્યક્તિની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો જરા પણ નથી પરંતુ આ એક રેડ સિગ્નલ છે. દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક આવા તાલીમિત્રોથી ઘેરાયેલો હોય છે જેનાથી બચવું ખૂબ જ જરૂરી છે.
મુખ્યત્વે ચાર પ્રકારના મિત્રો હોય છે –
- તાલી મિત્રો
- થાળી મિત્રો
- ગાલી મિત્રો અને
- પાલી મિત્રો.
હવે આ બધાને ઊંડાણમાં સમજીએ.
- તાલી મિત્રો – તાલી મિત્રો એ આમાંની સૌથી ભયાનક પ્રજાતિ છે. આવા મિત્રો જ્યાં વાહ વાહ લૂટાતી હોય એવા સ્થળે જોવા મળે છે. અનુભવ કરવો હોય તો કરજો.. કોઈ મિત્રને એક એવું કામ કરવા કહેજો કે જે તમે લગભગ પતાવી જ દીધું છે બસ આખરી ઓપ આપવાનો બાકી છે. જો એ કામ પૂરુ થયા પછી તમારા પોતાના બદલે એ મિત્રની જયજયકાર સાંભળવા મળે તો સમજી જવું કે એ તાળીમિત્ર છે કારણ કે એણે વાહ વાહ લૂટવા માટે આખા ગામમાં તમારું કામ પૂરુ કરી આપ્યાનો ઢંઢેરો પીટી નાખ્યો છે.
- થાળી મિત્રો – આ એક એવી પ્રજાતિ છે જે હંમેશા ભૂખી જ હોય છે. પોકેટમાં ઢગલાબંધ રોકડા અને સત્તર બેંકોના ક્રેડિટકાર્ડ હોવા છતાં દસ રૂપિયાની પાણીપુરી ખાવા માટે પણ તમને જ યાદ કરે… હકીકતમાં ખાવા માટે નહિ પણ તમે તમારા રોકડે એમને ખવડાવો એ માટે… અને પોતે આવે એ તો ઠીક પણ રસ્તામાં આવતા બધાનો સંઘ જોડે લઈને આવે એટલે તમારો વાડકો થઈ જ ગયો સમજી લો.
(નોંધ – 1. આવા મિત્રો તમારી ફાઈનાન્શિયલ શીટ ડામાડોળ કરી શકે છે તો બચીને રહેવું અને 2. અહીં પાણીપુરીને ઉલ્લેખ ફક્ત મનોરંજન માટે કરવામાં આવેલ છે. અમારો હેતુ કોઈની પણ ભૂખને હર્ટ કરવાનો નથી.)
- ગાલી મિત્રો – આવા દોસ્તો મહદંશે ફાયદાકારક છે. તેઓ ગાળો દેવામાં અને ગાળો ખાવામાં જરા પણ શરમ અનુભવતા નથી. અહીં ફક્ત ટૂંકી માહિતી બાકી તો આપ સબ સમજદાર હો યારો….એન્ડ લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ…
- પાળી મિત્રો – આવા દોસ્તો પાલીમાં કામ કરે છે જે જીવનમાં એકાદ બે પણહોવા ખૂબ જ જરૂરી છે.પાલી મિત્ર એટલે કે આ એ વર્ગ છે જે ફક્ત તમારી મુસીબતના જ સમયે તમારી સાથે રહેશે. હું જ્યારે 2013માં સુરતમાં મારા જીવનના કપરા કાળમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ધ્રુવલ અને શુભમ નામના આવા જ બે પાલી મિત્રોએ મને આગળ લાવ્યો હતો અને આજે એમના થકી જ હું અહીં છું. અમારે વર્ષે માંડ એકાદ વાર વાત થતી હશે પણ આજે પણ અમારું બોન્ડિંગ એટલું જ મજબૂત છે.
જો કે આવા મિત્રોની ડિમાન્ડ આપણે કરતા હોઈએ તો આપણું વર્તન પણ એવું હોવું જોઈએ.ક્યાંક એવું ન થાય કે આપણી પીઠ પાછળ આપણા જ મિત્રો આપણને તાલી-થાલી કે ગાલી મિત્રમાં ગણાવી દે..ચાલો હવે રજા લઉં…હેપ્પી ફ્રેન્ડશિપ ડે.
– આદિત શાહ