અમદાવાદ: શહેરના કુબેરનગર વિસ્તારમાં આવેલા છારાનગરમાં મોડી રાતે ધમધમતા દારૂના અડ્ડાને બંધ કરાવવા માટે ગયેલા સરદારનગર પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફ પીએસઆઇ તેમજ અન્ય પોલીસ કર્મચારીઓ પર કેટલાંક અસામાજિક તત્વોએ હુમલો કરતાં તંગદિલીભર્યો માહોલ ઊભો થયો હતો અને એક તબક્કે પોલીસ અને પબ્લીક વચ્ચે જોરદાર ઘર્ષણ અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા.
પોલીસના માણસોએ લોકોના ઘરમાં ઘૂસીને ઘૂસીને તેમને ઢોર માર માર્યા હોવાના ગંભીર આરોપો પણ લાગતાં ફરી એકવાર પાટીદાર આંદોલન સમયે જે પ્રકારે પોલીસે પાટીદારો પર અત્યાચાર ગુજાર્યો હતો તેવું કંઇક ચિત્ર સામે આવતાં સમગ્ર વાતાવરણ ગરમાયું હતું. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે ૩૫ જેટલા શખસોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ અત્યાચારનો ભોગ બનેલા સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસે પ૦ કરતાં વધુ ગાડીઓ તેમજ વાહનોની તોડફોડ કરી હતી અને લોકોના ઘરમાં ઘૂસીને મહિલા સહિત લોકો પર લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટનામાં કેટલાક વકીલો તેમજ પ્રેસ ફોટોગ્રાફર પણ પોલીસદમનનો શિકાર બન્યા હોવાની વિગતો સામે આવી હતી. વહેલી પરોઢે પાંચ વાગ્યા સુધી ચાલેલા પોલીસના કોમ્બિંગ બાદ છારાનગર તેમજ કુબેરનગર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયાં છે. છારાનગરમાં પોલીસ દમનના મામલે આજે સવારે છારા સમાજના લોકોએ પોલીસની કામગીરી સામે સખત વિરોધ કર્યો હતો અને મોટી સંખ્યામાં ભીડ પોલીસ સ્ટેશનમાં ઊમટી પડી હતી, જ્યાં પોલીસ વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.
ગઇકાલે સરદારનગર પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફ પીએસઆઇ શક્તિસિંહ મોરી અને તેમનો સ્ટાફ છારાનગરમાં દારૂના અડ્ડા પર દરોડા પાડવા માટે તેમજ ફૂટ પેટ્રોલિંગ માટે ગયા તે સમયે બે યુવકો ટ્રાફિકને અડચણ થાય તે રીતે રોડ પર એકિટવા લઇને ઊભા હતા. પીએસઆઇએ બન્ને યુવકોને સાઇડમાં ઊભા રહેવાનું કહ્યું હતું. પીએસઆઇએ તેમના એકિટવાની ડેકી ખોલવા માટે કહ્યું હતું અને યુવકોએ પીએસઆઇ સાથે બબાલ શરૂ કરી હતી. દરમિયાનમાં છારાનગરમાં રહેતા અન્ય લોકો પણ ત્યાં આવી ગયા હતા અને પીએસઆઇ તેમજ તેમની ટીમ પર હુમલો શરૂ કરી દીધો હતો. છારાનગરમાં રહેતા લોકોએ પીએસઆઇ અને અન્ય પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારો પણ કર્યો હતો અને જીપ પણ તોડી નાખી હતી. લોકોએ પોલીસ કર્મચારીઓને એ હદે માર્યા હતા કે પીએસઆઇના હાથમાં ફ્રેક્ચર થઇ ગયું હતું જ્યારે એસઆરપીના જવાનનું માથું ફાટી ગયું હતું અને બીજા બે પોલીસ કર્મચારીઓને પણ ઇજા થઇ હતી. ઇજાગ્રસ્ત તમામ પોલીસ કર્મચારીઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
પોલીસ પર હુમલો થયો હોવાની જાણ પોલીસ કંટ્રોલ તેમજ ઉચ્ચ અધિકારીઓ થતાં તેઓ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયા હતા અને અંદાજિત એક હજાર કરતાં વધુ પોલીસનો કાફલો છારાનગર અને કુબેરનગરમાં ખડકી દીધો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસે મોડી રાતના ૧૧ વાગ્યા પછી છારા સમાજના લોકો પર દમન ગુજારવાનું શરૂ કર્યું હતું. પોલીસે પ૦ કરતાં વધુ ગાડીઓ તેમજ અન્ય વાહનોના કાચ તોડ્યા હતા અને છારાનગરમાં ઘૂસીને મહિલાઓ સહિત સંખ્યાબંધ લોકો પર રીતસરનો લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
પોલીસે વહેલી પરોઢના પાંચ વાગ્યા સુધી છારાનગર અને કુબેરનગરમાં કોમ્બિંગ હાથ ધરીને ૩પ કરતાં વધુ લોકોની અટકાયત કરી હતી અને ૩ હજાર કરતાં વધુ લોકો વિરુદ્ધમાં રાયોટિંગનો ગુનો દાખલ કર્યો હતો. સેક્ટર-રના જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ અશોક યાદવે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી છારાનગરમાં દારૂ-જુગારના અડ્ડાઓ બંધ કરાવવા માટે પોલીસે અભિયાન હાથ ધર્યું છે. રોજેરોજ છારાનગરમાં પોલીસ રેડ કરી રહી છે ત્યારે પોલીસને સબક શીખવાડવા માટે પૂર્વ આયોજિ ત કાવતરું ઘડીને ગઇકાલે પીએસઆઇ અને અન્ય પોલીસ કર્મચારીઓ પર હુમલો કરાયો તેવું લાગી રહ્યું છે. જો કે, સમગ્ર મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે.