રાજ્યમાં આર.ટી.ઇ.એક્ટ-૨૦૦૯ અન્વયે શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯માં નબળા અને વંચિત જુથના બાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં વિનામુલ્યે ધોરણ-૧ માં પ્રવેશ આપવાની કાર્યવાહી રાજ્ય સરકાર દ્વારા વેબપોર્ટલ www.rtegujarat.org પર ઓનલાઇન હાથ ધરવામાં આવી હતી. આ પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વાલીઓ દ્વારા જરૂરી દસ્તાવેજ રજુ કરી પ્રવેશ મેળવ્યો છે. આ પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વાલીઓ દ્વારા ખોટા દસ્તાવેજ રજુ કરી પ્રવેશ મેળવ્યાના કિસ્સા જો શિક્ષણ વિભાગના ધ્યાને આવશે તો, આવા વાલીઓ વિરુદ્ધ એફ.આઇ.આર. દાખલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
આ સંદર્ભે રાજ્યના તમામ DPEO અને સબંધિત DEOને પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી દ્વારા જે તે જિલ્લાના ઓછામાં ઓછા ૪૦ ટકા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના દસ્તાવેજ ચકાસવા માટે જણાવાયું છે. આ ચકાસણી દરમિયાન જે વાલી દ્વારા શંકાસ્પદ ડોક્યુમેન્ટ રજુ કરી પ્રવેશ મેળવ્યો હોવાનું જણાય તો તેવા કિસ્સામાં વાલી વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવશે. ઉપરાંત શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯માં એકપણ વાલી ખોટા/શંકાસ્પદ દસ્તાવેજના આધારે પ્રવેશ ન મેળવે તે માટે પુરતી ચકાસણી કરવા DPEO અને DEOને પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા જણાવાયું છે.