કૃષિના વિકાસ માટે ફ્રાંસની ટેકનોલોજી ખુબ ઉપયોગી

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદ : ગુજરાતમાં કૃષિ અને પશુપાલનના વધુ વિકાસ માટે ફ્રાન્સ પાસેથી સસ્તી અને સરળ સોલાર આધારીત નવીન ટેકનોલોજી આવકારદાયક છે. આ ઉપરાંત રાસાયણિક ખાતરના સ્થાને ઓર્ગેિનક ખાતર, ગોબર ગેસ માટે સસ્તી અને સરળ ટેકનોલોજી, સિંચાઇ માટે સોલાર પંપ, દૂધ તેમજ કૃષિ ઉત્પાદનોને લાંબા સમય માટે સાચવી રાખવા જેવી ઇકો-ફ્રેન્ડલી ટેકનોલોજી પણ ફ્રાન્સ પાસેથી મેળવવામાં ગુજરાત તત્પર છે તેમ મહાત્મા મંદિર ખાતે યોજાયેલા લો કાર્બન એન્ડ ઇન્ડસ્ટ્રી ૪.૦ વિષયક ફ્રાન્સ કન્ટ્રી સેમિનારમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વાયબ્રન્ટ સમિટ ર૦૧૯માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉલ્લેખ કર્યો હતો કે, ગુજરાત એ ભારતનું ગ્રોથ એન્જિન છે.

ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ જરૂરી છે. ગુજરાત સરકારે કૃષિ વિકાસને ખૂબ જ પ્રાધાન્ય આપ્યું છે. જેના પરિણામરૂપે દેશના ૪ ટકાના કૃષિ વિકાસ દરની સામે ગુજરાત ૧ર ટકાનો વિકાસ દર ધરાવે છે. ગુજરાતમાં ૯૬ લાખ હેક્ટર જમીન કૃષિ માટે અગત્યની છે. રાજ્યમાં અલગ અલગ વિસ્તારમાં ૧૦૦ ઇંચથી પ ઇંચ સુધી વરસાદ પડે છે. જેથી કૃષિને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા ટપક સિંચાઇ અને ફૂવારા પદ્ધતિ માટે ૭૦ થી ૮૦ ટકા જેટલી સબસિડી આપવામાં આવે છે. હાલ ગુજરાતમાં ૧૪ લાખ હેક્ટર જેટલી જમીન ટપક સિંચાઇ અને ફુવારા પદ્ધતિ હેઠળ આવરી લેવામાં આવી છે.

આ ક્ષેત્રે વર્ષે અંદાજે ૫૦૦૦ કરોડ જેટલી સબસીડી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવે છે. ગુજરાત દૂધ ઉત્પાદનમાં પણ સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. રાજ્યમાં દૂધને સાચવવા સોલાર આધારિત વધુ સારી ટેક્નોલોજીની જરૂર છે. ઉપરાંત મગફળી, કપાસ, દિવેલા, ફળફળાદી જેવી કૃષિ પેદાશોનું વેલ્યુ એડિશન કરી શકે તેવી સરળ સસ્તી અને ઇકો-ફ્રેન્ડલી ટેક્નોલોજી ખેડૂતોના હિતમાં ફ્રાન્સ પાસેથી મેળવવાની રાજ્ય સરકાર વતી નાયબ મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી. આ સત્રમાં નાયબ મુખ્યમંત્રીએ ગુજરાતમાં કૃષિ અને પશુપાલનના વિકાસ માટે ઉપસ્થિત ઉદ્યોગપતિઓ-કૃષિ તજજ્ઞો સાથે વાર્તાલાપ કર્યો હતો. કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદે ગુજરાતે કૃષિ અને પશુપાલન ક્ષેત્રે કરેલી કામગીરી તેમજ રાજ્યમાં આ ક્ષેત્રે રહેલી વિવિધ રોકાણની તકો અંગે માહિતી આપી હતી. લો કાર્બન એન્ડ ઇન્ડ્‌સ્ટ્રીઝ ૪.૦ સેમિનારમાં એગ્રોટેક-પ્રોસેસ ઓપ્ટિમાઇઝેશન ફોર સસ્ટેનેબલ પ્રોડક્શન,  ટેક ફોર ગુડ ઇન ઇન્ડિયન સ્માર્ટ સિટિઝ અને કનેક્ટિંગ સિટિઝન્સ ટુ ધેર સિટી એન્ડ ધેર સિરિઝ ટુ ધ વર્લ્ડ ઃ ધી ફ્યુચર ઓફ ટ્રાન્સપોર્ટેશન ઉપર આ ક્ષેત્રના વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય તજજ્ઞો દ્વારા ચર્ચા સત્રો યોજાયા હતા

Share This Article