મુંબઈઃ વિદેશી મૂડીરોકાણકારોએ જુલાઈ મહિનામાં ભારતીય મૂડી માર્કેટમાં ૨૩૦૦ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. સતત ત્રણ મહિના ગાળા દરમિયાન જંગી નાણાં પરત ખેંચવામાં આવ્યા બાદ ફરી વાદ વિદેશી રોકાણકારોનો આત્મવિશ્વાસ વધ્યો છે. ક્રુડ ઓઈલની કિંમતમાં કરેકશન થયા બાદ ટ્રેડ ડેફિસીટને લઈને ચિંતાઓ દુર થઈ રહી છે. નવેસરના આંકડા મુજબ વિદેશી મૂડી રોકાણકારોએ જુલાઈ મહિનામાં ઈક્વીટીમાં ૨૨૬૪ કરોડ રૂપિયા ઠાલવી દીધા હતા. જ્યારે ડેબ્ટ માર્કેટમાં ૪૮ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. આની સાથે જ કુલ રોકાણનો આંકડો જુલાઈ મહિનામાં ભારતીય મૂડી માર્કેટમાં ૨૩૧૨ કરોડ રૂપિયાનો રહ્યો છે.
આ વર્ષે હજુ સુધી એફપીઆઈ દ્વારા ઈક્વીટીમાંથી ૪૧૦૦ કરોડ અને ડેબ્ટ માર્કેટમાંથી ૩૮૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ મહિનાના ગાળામાં જ મૂડી માર્કેટમાંથી ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરો દ્વારા ૬૧૦૦૦ કરોડથી વધુની રકમ પાછી ખેંચી લેવામાં આવી હતી. એપ્રિલ-જૂનના ત્રણ મહિનાના ગાળા દરમિયાન મૂડી માર્કેટમાંથી જંગી રકમ પાછી ખેંચવામાં આવી હતી. તે પહેલા વિદેશી મૂડીરોકાણકારોએ માર્ચ મહિનામાં ૨૬૬૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આ વર્ષે જાન્યુઆરી મહિનાના અંતમાં ડોલર સામે રૂપિયામાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થઈ ચુક્યો છે. રૂપિયો પહેલાથી જ આ જાન્યુઆરી મહિના બાદથી આઠ ટકા સુધી ઘટી ચુક્યો છે. વૈશ્વિક બજારોમાં ક્રૂડ ઓઇલની ઉંચી કિંમતો, રિટેલ ફુગાવામાં અવિરત વધારો, ડોલર સામે રૂપિયામાં પડતી, અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધુ વધારો કરવાના સંકેત તથા વૈશ્વિક શક્તિઓ વચ્ચે ગ્લોબલ ટ્રેડવોરને લઇને દહેશત પ્રવર્તી રહી છે. આ તમામ કારણોસર વિદેશી મૂડીરોકાણકારો નાણા પરત ખેંચવાના મૂડમાં દેખાઈ રહ્યા છે અને રોકાણ કરવા માટે ઇચ્છુક નથી. વિદેશી મૂડીરોકાણકારોની પ્રવૃત્તિ ઉપર શેરબજાર અને અન્યોની પણ નજર રહે છે. તાજેતરના સમયમાં ફુગાવામાં વધારો થવાની દહેશત મુખ્ય રીતે જવાબદાર રહી છે. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરને લઇને પણ વૈશ્વિક સંસ્થાકીય મૂડીરોકાણકારો પરેશાન થયેલા છે.
રોકાણ કરતા પહેલા વૈશ્વિ ટ્રેડવોરની સ્થિતિ હળવી બને તેવી અપેક્ષા આ લોકો રાખી રહ્યા છે. અમેરિકામાં કઠોર પોલિસીના કારણે પણ ભારત ઉપર અસર થઇ રહી છે. મોર્નિંગ સ્ટારમાં મેનેજર રિસર્ચ હિમાંશુ શ્રીવાસ્તવનું કહેવું છે કે ક્રુડ ઓઈલની કિંમતો, ફુગાવાને લઈને અફડાતફડી જેવા પરીબળોની અસર પણ જોવા મળી શકે છે. વૈશ્વિક ટ્રેડ વોરને લઈને જે અસર દેખાઈ રહી છે તે હેઠળ પણ વિદેશી મૂડી રોકાણકારો સાવધાનીપૂર્વકનું વલણ અપનાવી રહ્યા છે. કેટલાક ભૌગોલિક પરીબળો પણ જવાબદાર છે.