વડોદરા, ફતેપુરા મંગલેશ્વર ઝાંપા રોડ પર વડ ધરાશાયી થતાં ચાર થી પાંચ જણાને ઇજા થઇ હતી. ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં સ્થાનિક યુવકોએ તમામને બહાર કાઢ્યા હતા. મંગલેશ્વર ઝાંપા મેન રોડ પર વડનું એક જૂનું વૃક્ષ ધરાશાયી થતાં સ્કૂટર પર જઇ રહેલી એક મહિલા સહિત ચાર થી પાંચ જણા દબાતાં નાસભાગ મચી હતી.
બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. પરંતુ તેઓ આવે તે પહેલાં સ્થાનિક યુવકો કામે લાગ્યા હતા અને દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. આ પૈકી એક મહિલાને વધુ ઇજા થઇ હોવાની અને બાકીનાને સામાન્ય ઇજા થઇ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. બનાવને પગલે બંને બાજુએ ટ્રાફિક જામ થઇ ગયો હતો.જેને કારણે એમ્બ્યુલન્સને આવતાં પણ મુશ્કેલી પડી હતી. સ્થાનિક રહીશોએ કોર્પોરેશનની બેદરકારીને કારણે બનાવ બન્યો હોવાનો આક્ષેપ કરતાં કહ્યું હતું કે, વડ ગમે ત્યારે તૂટી પડે તેમ લાગતાં અમે કમાટીબાગમાં ગાર્ડન શાખામાં જઇ રજૂઆત કરી હતી.પરંતુ તેમણે ઝાડ કાપવામાં વિલંબ કરતાં બનાવ બન્યો હતો.