અમદાવાદ: ગીર જંગલમાં સિંહોના મોતનો સીલસીલો હજુ પણ ચાલુ રહ્યો છે અને છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ સિંહોના મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ સાથે જ છેલ્લા એક સપ્તાહમાં ચાર સિંહોના મૃતદેહ મળતાં વન્ય અને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે આઘાતની લાગણી ફેલાઇ ગઇ છે. ત્રણેય સિંહોના મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવતાં વનવિભાગ અને તંત્ર દોડતું થયું છે. કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હોવાથી સિંહ કે સિંહણ તે ઓળખવું મુશ્કેલ બન્યું છે. તમામનો પીએમ રીપોર્ટ આવે ત્યારે જ સાચી હકીકત જાણવા મળે કે સિંહ છે કે સિંહણ અને ક્યાં કારણોસર મોત નીપજ્યું હતું.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ગીર અભ્યારણ્યમાં ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી દલખાણીયા ફોરેસ્ટ રેન્જમાંથી ત્રણ દિવસમાં ત્રણ સિંહોના કોહવાયેલી હાલતમાં મૃતદેહો મળ્યા છે. ગીર પૂર્વ વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે છેલ્લા ત્રણ દિવસ ત્રણ સિંહોના મૃતદેહ મળી આવ્યા છે. આ ત્રણેય મૃતદેહો દલખાણિયા રેન્જમાંથી વિડી વિસ્તારમાંથી મળી આવ્યા છે. બે દિવસ પહેલા સિંહોના બે મૃતદેહો મળી આવ્યા છે અને એક સિંહનો મૃતદેહ બુધવારે સાંજે મળી આવ્યો છે. મૃત્યુ પામનાર સિંહોની ઉંમરમાં, એકની ઉંમર એક વર્ષ, એકની ઉંમર ત્રણથી પાંચ વર્ષ અને એક સિંહની ઉંમર પાંચથી સાત વર્ષની અંદાજવામાં આવી રહી છે.
ત્રણેય સિંહોના મૃતદેહોનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને શા કારણે આ ત્રણેય સિંહોનાં મોત થયા તે વિશે તપાસ હાથ ધરવામાં આવી છે. વન વિભાગનો સ્ટાફ જ્યાંથી સિંહોના મૃતદેહો મળી આવ્યા છે ત્યાં તપાસમાં જાતરાયો છે. પ્રાથમિક દ્રષ્ટએ આ ત્રણેય સિંહોના કૃદરતી મોત હોય તેવું મનાઇ રહ્યું છે. જા કે, તેમછતાં વનવિભાગના અધિકારીઓ અને તંત્રના માણસોએ આ સમગ્ર મામલામાં ઝીણવટભરી તપાસ જારી રાખી છે અને તમામ પાસાઓ અને શકયતાઓ હાલ ચકાસી રહ્યા છે.