રાજ્યમાં વર્ષાઋતુ-ર૦૧૮ દરમિયાન વરસાદ અને હવામાનની પરિસ્થિતિની સમીક્ષા તેમજ આગોતરા સલામતી આયોજન અંગે જરૂરી ભલામણો માટે વેધર વોચ ગૃપ સમિતીની રચના કરવામાં આવી છે.
મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે રાજ્યના રાહત કમિશનરના અધ્યક્ષસ્થાને શહેરી વિકાસ, GSDMA, નર્મદા જળસંપત્તિ, મત્સ્યોદ્યોગ, ઊર્જા, પાણી પુરવઠો, આરોગ્ય, વન તેમજ કૃષિ, બાયસેગ સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોના ર૪ જેટલા વરિષ્ઠ અધિકારીઓનો આ સમિતીમાં સભ્યો તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.
મહેસૂલ મંત્રીએ કહ્યું કે, આગામી ૧ જૂન ર૦૧૮થી ૩૧ ઓકટોબર-ર૦૧૮ના ચોમાસા સમયગાળા દરમિયાન વખતોવખત સમીક્ષા હાથ ધરવા સપ્તાહના દર મંગળવારે બપોરે આ બેઠક સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલરૂમ ખાતે મળશે. તેમણે ઉમેર્યુ કે, આ સમિતી વેધર વોચ અને આપત્તિ વ્યવસ્થાપનની સમીક્ષા પણ કરશે અને હવામાનની પરિસ્થિતિ, તાપમાન, સમુદ્રનું સંભવીત વાવાઝોડુ અને ડિપ્રેશનની આગાહી અને તેની સમીક્ષા, સેટેલાઇટ ઇમેજ તથા નકશા, પાક પરિસ્થિતિ, વરસાદની પરિસ્થિતિ, માછીમાર અને સંભવીત અસરગ્રસ્તોને સમયસર ચેતવણી વિગેરે બાબતોની ચર્ચા/સમીક્ષા કરી જરૂરી ભલામણો કરશે.
કૌશિકભાઇ પટેલે જણાવ્યું કે, મોસમ વિજ્ઞાન, NDRF, એરફોર્સ, આર્મી, કોસ્ટગાર્ડ જેવી કેન્દ્રીય એજન્સીઓના અધિકારીઓનો પણ આ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલું જ નહિ, જરૂરિયાત મુજબ બેઠકમાં અન્ય વિભાગો કે સંબંધિત ખાતાઓના અધિકારીઓને પણ બોલાવવામાં આવશે.
મહેસૂલ મંત્રીએ કહ્યું કે, દર મંગળવારે મળનારી આ વેધર વોચ કમિટીની બેઠકમાં યોગ્ય સૂચનો-પરામર્શ માટે પણ આપવામાં આવશે.