વડોદરામાં કોર્ટે કરેલા હુકમના પગલે પતિ દ્વારા પત્નીને ભરણ પોષણ ચુકવી ન શકતો હોવાથી પુત્રએ હવે માતા-પિતાની સુચના અને આશીર્વાદથી જેલમાં જવાનું પસંદ કર્યુ હતું. આ પત્ની પીડિત પતિને તેના મિત્રોએ વરઘોડો તેમજ હારતોરા પહેરાવી બાપોદ પોલીસ સ્ટેશનમાં હાજર કરાવ્યો હતો. માતા-પિતાના આક્રંદ વચ્ચે પુત્ર હારતોરા પહેરી પોલીસ સ્ટેશનમાં પહોંચતા પોલીસ પણ ચોંકી ગઈ હતી.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વિગત અનુસાર વડોદરા શહેરના સયાજીપુરા વિસ્તારમાં હેમંત મનુભાઈ રાજપુતના લગ્ન ૧૫ વર્ષ પહેલા સુનિતા સાથે થયા હતાં. હેમંત છુટક મજુરીકામ કરી પત્ની અને વૃદ્ધ માતા પિતાનું ગુજરાન ચલાવતો હતો. હેમંતને ૧૫ વર્ષના સાંસારીક જીવન દરમિયાન કોઈ સંતાન સુખ પ્રાપ્ત થયુ ન હતું. શરૂઆતના સમયગાળા દરમિયાન હેમંત અને સુનિતાબેનનુ લગ્ન જીવન ખુબ સારી રીતે ચાલી રહ્યું હતું. લગ્નના ૧૫ વર્ષ પછી સુનિતા તેના પતિ હેમંતને માતા-પિતાથી અલગ રહેવાનું જણાવતી હતી. પરંતુ હેમંત માતા પિતાથી અલગ રહેવા માંગતો નહોતો.
જેને લઈ સુનિતા દ્વારા સાસુ સસરા સાથે બોલાચાલી અને ઝઘડા કરવાનું શરૂ કરી દીધુ હતું. સાસુ સસરા સાથે ઝઘડા થતાં પત્ની સુનિતાએ વડોદરા કોર્ટમાં ભરણ પોષણ અંગેનો કેસ કર્યો હતો. કોર્ટે સુનિતાની અરજીને ધ્યાનમાં લઈ પતિ હેમંતને માસિક રૂપિયા ૩૫૦૦ ભરણ પોષણ પેટે આપવાનો હુકમ કર્યો હતો. તેમજ ભરણ પોષણ અંગેના રૂપિયા ન ચુકવે તો જેલમાં જવાનો હુકમ કર્યો હતો. પતિ હેમંત દ્વારા માસિક ૩૫૦૦ રૂપિયા ચુકવી નહીં શકતા તેણે જેલમાં જવાનું પસંદ કર્યુ હતું. હેમંત જેલમાં જવાનો નિર્ણય કરતા તેને મિત્રો અને પત્ની પીડિત શખ્સો તેમની વ્હારે આવ્યા હતાં અને હેમંતને ફૂલહાર પહેરાવી બાપોદ પોલીસ મથકમાં હાજર કર્યો હતો. હેમંતને જેલમાં મોકલવા માટે માતા પિતા પણ પુત્રને જેલમાં મુકવા માટે પહોંચી ગયા હતાં. પોલીસ મથકમાં પુત્રએ પગ મુકતાની સાથે જ માતા પિતા પુત્રને ગળેમળી ચોંધાર આસુએ રડી પડયા હતાં. આ પ્રસંગને લઇ પોલીસમથકમાં જ કરૂણ અને લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક લોકોએ યુવતીઓ દ્વારા ૪૯૮ના કાયદાના થઇ રહેલા દૂરપયોગ અને વધતા જતાં માનસિક ત્રાસ અને અત્યાચારને લઇ ન્યાયતંત્રએ હવે પુરુષોને રક્ષણ આપતાં હુકમો પણ કરવા જાઇએ તેવી લાગણી વ્યકત કરી હતી.