અમદાવાદ : સામાન્ય રીતે તમે કોઇ હોટલ કે રેસ્ટોરન્ટ કોઇ ખુલ્લી જગ્યા, મોલ કે કોમ્પલેક્ષમાં જાઇ હશે પરંતુ દોડતા પૈડા પર હરતીફરતી રેસ્ટોરન્ટ કયારેય જોઇ છે ? તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ હવે ગુજરાતમાં સૌપ્રથમવાર ડબલડેકર ઓપનએર રેસ્ટોરન્ટ-હાઇજેક ૨.૦ નો અમદાવાદમાં પ્રારંભ થયો છે. બે માળની આ લકઝુરીયસ બસમાં તૈયાર કરાયેલી ડબલડેકર રેસ્ટોરન્ટ બહુ જ આકર્ષક ડિઝાઇનથી યુકત અને તમામ સુવિધાઓ અને વેલટ્રેઇન્ડ સ્ટાફથી સજ્જ છે. આ રેસ્ટોરન્ટમાં નીચેના માળે એર કન્ડીશન્ડ છે, જયારે ઉપરનો માળ ખુલ્લો એટલે કે, ઓપનએર છે કે જયાં ખુલ્લા આકાશ નીચે અને મ્યુઝિક મસ્તી વચ્ચે અદાવાદીઓ સ્વાદની મિજબાની એટલે કે, મનપસંદ ભોજનની મિજબાની માણી શકશે.
કંઇક અલગ જ અને નવા કન્સેપ્ટ સાથે ખાસ તૈયાર કરાયેલી ડબલડેકર ઓપનએર રેસ્ટોરન્ટ હાલ તો, શહેરભરમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે જેનું ઉદ્ઘાટન રાજયના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની પુત્રી અને ગ્રામ શ્રીના મેનેજીંગ ડિરેકટર અનાર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ અનોખી ડબલડેકર ઓપનએર રેસ્ટોરન્ટ હાઇજેક ૨.૦ના સંચાલક અનિર્વાણ દમ અને હાર્દિક શાહે જણાવ્યું હતું કે, આગામી સપ્તાહમાં આ ઓપનએર રેસ્ટોરન્ટનો લાભ વૃધ્ધાશ્રમના વૃધ્ધજનો, મનોદિવ્યાંગ અને દિવ્યાંગ લોકો તેમ જ કેન્સરપીડિત દર્દીઓને એક સુંદર સફરની મોજ કરાવી આપવાનું પ્લાનીંગ પણ કરી રહ્યા છીએ. તેમણે વધુમાં જણાવ્યું કે, આ આકર્ષક ડબલડેકર ઓપનએર રેસ્ટોરન્ટ હાઇજેક ૨.૦ શહેરના માર્ગો પર ફરતા ફરતા સ્વાદના રસિયાઓને ભોજનની મિજબાની અને ધમાલ-મસ્તી કરાવશે. હાલ આ રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સનો રૂટ એસ.જી હાઇવે અને એસ.પી. રીંગરોડ પર રાખવામાં આવ્યો છે. ૪૦ વ્યકિતઓને બેસવાની ક્ષમતા ધરાવતી આ રેસ્ટોરન્ટ હાઇજેક ૨.૦માં સાંજે ૭-૩૦ અને ૯-૩૦ એમ બે સમય અત્યારે ગ્રાહકો માટે નક્કી કરવામાં આવ્યા છે.
બાકીનો સમય આ રેસ્ટોરન્ટ બર્થ ડે, કિટ્ટી પાર્ટી, સગાઇ-લગ્ન પ્રસંગ સહિતની ઇવેન્ટ માટે ફાળવવામાં આવશે કે જેથી શહેરીજનોના પ્રસંગની ઉજવણી કંઇક અનોખી અને યાદગાર બની રહે. આ રેસ્ટોરન્ટનું નામ હાઇજેક ૨.૦ રાખવા અંગે તેના સંચાલક અનિર્વાણ દમ અને હાર્દિક શાહે જણાવ્યું કે, આજની ભાગદોડભરી અને માનસિક તાણભરી જિંદગીમાં લોકો સતત તણાવથી ઘેરાયેલા હોય છે અને હળવીફુલ કે મોજ મસ્તીવાળી જીંદગી જાણે ભૂલી ગયા છે, તેથી અમે ગ્રાહકોને જાણે બે કલાક માટે હાઇજેક કરી લઇશું અને તેઓને મનગમતા ભોજન અને સ્વાદિષ્ટ વાનગીઓની સાથે સાથે મ્યુઝિક-મસ્તી, ગીત-સંગીત, ડાન્સ સહિતના આકર્ષણો સાથે તેમની બે કલાકની ડિનર પાર્ટીની ટ્રીપ યાદગાર બનાવી દઇશું. ચાર વર્ષની ઉમંર સુધીના બાળકો માટે આ રેસ્ટોરન્ટ ફ્રી રહેશે એમ તેમણે ઉમેર્યું હતું. મુંબઇ, ચેન્નાઇ બાદ અમદાવાદને આ નવલું નજરાણું મળ્યું છે, જે હેરીટેજ સીટીના દરજ્જાને પણ સાર્થક કરવાના પ્રયાસો કરશે.