ગુજરાતમાં બુધવારે બપોર બાદ અપર એર સાયક્લોનીક સરક્યુલેશનની સિસ્ટમને લઇને વાતાવરણમાં એકાએક પલટો આવતા ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રમાં વાવાઝોડા તેમજ ગાજવીજ સાથે માવઠું પડયું હતું. જેમાં બપોરે ચારેક વાગ્યે હળવદમાં મયૂરનગરમાં વિજળી પડતા મહિલા તેમજ પાંચ વર્ષના એક બાળકનુ મોત થયું હતું. ઉત્તર ગુજરાતમાં રાધનપુર, કડી, હારીજ, થરાદ અને કાંકરેજમાં વરસાદી માવઠું પડયું હતું.
સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગરમાં , કચ્છમાં ભુજમાં ભારે વાવાઝોડા સાથે વરસાદી છાંટા પડયા હતા. પાકને નુકશાન થવાની સાથે માર્કેટયાર્ડમાં હરાજી માટે આવેલો માલ પલડી જતા ખેડૂતોને ભારે આર્થિક નુકશાની થવા પામી છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં માવઠું થયું હતું. જેમાં રાધાનપુર, કડી, ઉંઝામાં ૯ મીમી વરસાદ પડયો હતો. બપોરે ૪ થી ૬ વાગ્યાના ગાળામાં પડેલા માવઠાને લઇને ઉંઝા, રાધનપુર માર્કેટયાર્ડમાં ખૂલ્લામાં પડેલો વરીયાળી, ઇસબગુલ, જીરૃ સહિતનો માલ પલડી જતા ભારે નુકશાની થવા પામી હતી .
વરસાદને પગલે આજે બપોર બાદ ઉંઝા યાર્ડમાં હરાજીની કામગીરી બંધ કરવાની ફરજ પડી હતી. સૌરાષ્ટ્રમાં રાજકોટ, ઉપલેટા, ધોરાજી, ઇસરામાં વાવાઝોડા સાથે વરસાદ પડયો હતો. ભુજમાં વાવાઝોડાને કારણે અનેક વૃક્ષો, વીજ થાંભલાઓ તેમજ મોટા હોડિંગ્સો ધરાશાયી થયા હતા.
કમોસમી વરસાદને પગલે ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે. આજે રાજ્યમાં મહત્તમ તાપમાન ૩૧ થી ૪૦ ડિગ્રીની આસપાસ રહ્યું હતું. જેમાં ડીસા, અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ૪૦ ડિગ્રીથી વધુનું તાપમાન જોવા મળ્યું હતું. જ્યારે રાજ્યમાં લધુત્તમ તાપમાન ૧૯ થી ૨૫ ડિગ્રીની આસપાસ રહ્યું હતું.