અમદાવાદ, શહેરના રીંગરોડ પર શાંતિપુરા અને દહેગામ-નરોડા જંકશન પાસે બે નવા ફલાયઓવર બ્રીજ બનાવવાનું આયોજન ઔડા સત્તાવાળાઓ દ્વારા હાથ ધરાયું છે. આ બંને નવા ફલાયઓવર બનવાના પગલે ટ્રાફિક ધસારો હળવો બનશે અને વાહનચાલકોને ઘણી સાનુકૂળતા અને રાહત મળશે.
કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થનારા આ બંને ફલાયઓવર બ્રીજને લઇ ઔડા સત્તાવાળાઓએ જરૂરી પ્રક્રિયા પણ શરૂ કરી છે. તાજેતરમાં જ ઔડા ખાતે અમદાવાદ મેટ્રોપોલીટન કમીટીની બેઠક મળી હતી, જેમાં ઔડા દ્વારા સરદાર પટેલ રીંગ રોડ પર હાથ ધરાયેલી આંતરમાળખાકીય વ્યવસ્થા માટેના કાર્યોની માહિતી કમીટી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જેમાં ઔડા સત્તાધીશો દ્વારા રીંગ રોડના શાંતિપુરા જંકશન પાસે ફલાયઓવર બ્રીજ અને દહેગામ-નરોડા જંકશન પાસે નવા ફલાયઓવર બ્રીજ મળી કુલ બે નવા ફલાયઓવર બ્રીજ બનાવવાનું આયોજન થઇ રહ્યું હોવાની માહિતી પણ રજૂ કરાઇ હતી.
બંને ફલાયઓવર બ્રીજના પ્રોજેકટને લઇ ઔડા સત્તાવાળાઓ દ્વારા આગળની કામગીરી ઝડપથી હાથ ધરાય તેવી માહિતી પણ સામે આવી રહી છે. બીજીબાજુ, સરદાર પટેલ રીંગ રોડ પર હાલમાં બે રલ્વે ઓવરબ્રીજબના કામ ચાલી રહ્યા છે. સનાથલ ખાતે રૂ.૯૧.૮૮ કરોડના ખર્ચે ૧.૩૦ કિ.મી લાંબો ઓવરબ્રીજ બનાવવાની ૨૦ ટકા કામગીરી પૂર્ણ કરાઇ છે. આગામી તા.૨૨ એપ્રિલ-૨૦૨૦ સુધીમાં આ બ્રીજનું નિર્માણ કાર્ય આટોપી દેવાય તેવી શકયતા છે. આ જ પ્રકારે રણાસણ રેલ્વે ઓવરબ્રીજમાં હજુ માત્ર પાંચ ટકા જ કામગીરી થઇ છે. જેને પણ સનાથલ રેલ્વે ઓવરબ્રીજની સાથે સાથે જ બનાવાશે. આ બ્રીજના નિર્માણ પાછળ રૂ.૫૪ કરોડ ખર્ચાવાનો અંદાજ છે. આ બંને બ્રીજના નિર્માણ પાછળ કુલ રૂ.૧૪૫.૬૮ કરોડ ખર્ચ થવાની શકયતા છે. આ સિવાય ૭૬ કિ.મી લંબાઇ ધરાવતાં સરદાર પટેલ રીંગ રોડ પર રૂ.૧૩.૫૦ કરોડના ખર્ચે એલઇડી સ્ટ્રીટલાઇટ નાંખવાની કામગીરી ચાલુ છે., જયારે બોપલ-ઘુમા વિસ્તારમાં રૂ.૧૩.૪૦ કિ.મી લંબાઇમાં અંદાજે રૂ.૬૦ લાખના ખર્ચે એલઇડી સ્ટ્રીટલાઇટ નાંખવાની કામગીરી પૂર્ણ કરાઇ છે.