રાજકોટ શહેર નજીકથી પસાર થતો નેશનલ હાઇવે નંબર ૨૭ પોરબંદર-જેતપુર- ગોંડલ-રાજકોટ અને બામણબોરને જોડે છે. આ નેશનલ હાઇવે નં. ૨૭ પર ગોંડલ ચોકડી પર વધુ વાહનોની સંખ્યાને લઈને ટ્રાફિકની પારાવાર સમસ્યા રહે છે.
આ વર્ષની ૧ એપ્રિલનાં રોજ માનનીય કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ, શિપિંગ, રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા રાજકોટ શહેર એક ખાતે કાર્યક્રમમાં ભાગ લેવા પધારેલા ત્યારે રાજકોટનાં ધારાસભ્યઓ, મેયર, શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશન વગેરે દ્વારા ગોંડલ ચોકડીની ટ્રાફિકની સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી હતી. આ દિવસે જ મંત્રી મનસુખભાઈ માંડવિયાએ ગોંડલ ચોકડીની સ્થળ મુલાકાત લઈ સ્થિતીનો તાગ મેળવ્યો હતો અને સ્થળ પરનાં નેશનલ હાઇવે ઑથોરિટીનાં અધિકારીઓને આ બ્રિજ સત્વરે બનાવવા માટે જરૂરી દરખાસ્ત દિલ્હી મોકલી આપવા સુચના આપી હતી. આ દરખાસ્તને કેન્દ્ર સરકારનાં નેશનલ હાઇવે ઑથોરિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને હવે ગોંડલ ચોકડી પર ‘એલીવેટેડ બ્રિજ’નું કામ ટૂંક સમયમાં શરૂ થશે.
ગોંડલ ચોકડી પર બનનારા આ એલીવેટેડ બ્રિજની કુલ લંબાઈ ૧.૨ કિલોમીટર છે, જેમાં ૩૦ મીટરનાં ૨૭ ગાળા સાથે ૬ માર્ગીય લેન બનાવવામાં આવશે. જેથી કરીને આ એલીવેટેડ કોરીડોર પરથી રાષ્ટ્રીય ધોરીમાર્ગનો ટ્રાફિક અડચણ વિના પસાર થઇ શકે, તેમજ એલીવેટેડ કોરીડોરની નીચે સર્વિસ રોડની સગવડતા પણ રહેશે, જેથી કરીને રાજકોટ શહેર તરફનાં બન્ને રસ્તા પર વાહનચાલકો સરળતાથી શહેરમાં અવર-જવર કરી શકે. આ બ્રિજનું મળખુ આગામી ૩૦ વર્ષના અંદાજીત ટ્રાફિકને ધ્યાને લઈ તૈયાર કરવામાં આવ્યું છે. રૂ.૮૮ કરોડનાં અંદાજીત ખર્ચે તૈયાર થનારા આ એલીવેટેડ બ્રિજનું નિર્માણ કામનું ટેન્ડર પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. આ બ્રિજનું નિર્માણ કાર્ય ૨ વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યો છે.