નવસારી: જિલ્લાના ઉપરવાસ ડાંગ જિલ્લામાં અનરાધાર વરસેલા વરસાદના પગલે જિલ્લામાંથી પસાર થતી અંબિકા નદીમાં પુર આવ્યું છે. બીલીમોરા ખાતે અંબિકા નદીએ ૨૭.૫૫ ફુટ ભયજનક સપાટીની નજીક પહોંચી હતી. નદીમાં પાણીના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ખાસ કરીને બીલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સાંજના લખાય છે ત્યારે અંબિકા નદીની સપાટી ૫ વાગ્યે ૨૬.૨૪ ફુટ નોંધાઇ હતી. બીલીમોરા ખાતે અંબિકા નદીની ભયજનક સપાટી ૨૮ ફૂટ છે.
ડાંગમાં વરસેલા ભારે વરસાદના કારણે નવસારી કલેકટર ર્ડા.એમ.ડી.મોડીયાએ વહીવટીતંત્રને સવારથી જ એલર્ટ કરી દીધું હતું. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વરસતા અંબિકા નદીના તટ વિસ્તારમાં આવતા ગણદેવી તાલુકાના બીગરી, મેંધર, માસા, વાઘરેચ, છાપર, કલમઠા, ભાઠા, મોરલી, ધમડાછા, તોરણગામ, ગડત, ખખવાડા, સોનવાડી, કછોલી, અજરાઇ, ઉંડાચ (લુ.ફ.), ઉંડાચ (વા.ફ), ગોંયદી ભાઠલા, દેવધા, સાલેજ, ગણદેવી (શહેર), બીલીમોરા (શહેર) ના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ રહેવા સાથે જરૂરિયાત જણાય તો તાત્કાલિક ધોરણે સ્થળાંતર કરાવવા, પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસરોને નવસારી કલેકટર ર્ડા.એમ.ડી.મોડીયાએ સુચનાઓ આપી હતી. સાથે કોઇપણ ઘટના કે બનાવ બને તો તાત્કાલિક જાણ કરવા પણ જણાવ્યું છે.
કલેકટરે લોકોને નદી કિનારે ન જવા પણ અપીલ કરી છે. આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા બીલીમોરા ખાતે એનડીઆરએફની એક ટુકડીને સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. એનડીઆરએફની ટીમ બીલીમોરા વાડીયા વિસ્તારની મુલાકાત લીધી હતી. જિલ્લામાં ૩૪૦ ઉપરાંત લોકોનું લોકોનું સલામત સ્થળે સ્થાળાંતર કરવામાં આવ્યું છે. પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજજ્ છે.
ભારે વરસાદના કારણે નવસારી જિલ્લાના અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. વહીવટીતંત્ર દ્વારા વિજલપોર હળપતિના (અમીધારા સોસાયટી) ૧૦ કુટુંબના ૪૧ લોકોને વિજલપોર નગર પ્રાથમિક શાળામાં સ્થાળાંતર કરવામાં આવ્યું છે. જયારે ચીખલી કાવેરી નદી તટના હરણગામના ૬૦ પરિવારના ૧૮૬ લોકોને પ્રાથમિક શાળા હરણગામ અને ગણદેવી તાલુકાના રેલના કારણે અસરગ્રસ્ત તોરણગામ, દેવધા, ભાઠાના ૫૪ પરિવારોના ૨૧૭ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ સ્થાળાંતર કરાયેલા પરિવારોને સ્થાનિક લોકોના સહયોગ વડે વહીવટીતંત્ર દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. સાંજના ૪ વાગે હરણગામના સ્થળાતંર કરાયેલા પરિવારો કાવેરી નદીમાં પાણી ઉતરી જતા પરત ફર્યા છે.
વરસાદ દરમિયાન અજયભાઇ હળપતિ રહે. તલીયારા તા.ગણદેવી અને જયેશભાઇ લક્ષ્મણભાઇ પટેલ રહે. ખુંધ તા.ચીખલી માછીમારી અર્થે બોટમાં ઓજંલ માછીવાડ તા.જલાલપોર ગયા હતા. જયાં આકસ્મિક રીતે ડુબી ગયા છે.
વિજલપોર આંબેડકર નગર વિસ્તારમાં ગુણવંતભાઇ સેલરનું મકાન પાછળથી વચ્ચેના ભાગે તુટી પડયું હતું. જેના કારણે ગુણવંતભાઇના ખભામાં ઇજા પહોંચી છે. જયારે પરિવારના અન્ય પાંચ લોકોને ઇજા થઇ નથી.
જિલ્લામાં ચાર જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. જેમાં અમલસાડ-ગણદેવી રોડ, ચીખલી તાલુકામાં બામણવેલ, હરણગામ દોણજા રોડ, પીપલગભાણ-આમધરા-મોગરાવાડી રોડ અને ફડવેલ-ઢોલુમ્બર રોડ બંધ કરાયા હતા.