મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં ગુજરાતના માછીમારોને ડીઝલ સેલટેક્ષ- વેટમાં રૂ. ૧૪.૨૮ની રાહતનો રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય લેવાતા માછીમારોમાં ખુશીની લાગણી જોવા મળી છે. ગુજરાત રાજ્યના મત્સ્યોદ્યોગ અને માછીમારોનો આર્થિક વિકાસ થાય અને માછીમારો ગુજરાતના સામાન્ય પ્રવાહમાં જોડાય શકે તે માટે રાજ્ય સરકારે માછીમારી ઉપર વપરાતા ડીઝલ ઉપર સેલટેક્ષ (વેટ) મુક્ત ડીઝલ માછીમારોને આપવાની યોજના બનાવેલી હતી.
એ યોજના અત્યાર સુધી ચાલુ હતી. પરંતુ હાલમાં યોજનામાં ફેરફાર કરી સરકાર દ્વારા નવી નીતી સાથે યોજના બનાવેલી તેમાં એક પરિવારદીઠ એક જ બોટ ઉપર સેલટેક્ષ (વેટ) રાહત આપવાનું નક્કી થતાં માછીમારોની આર્થિક પરિસ્થિતિ અસામાન્ય રીતે ગંભીર થઈ ગઈ હતી તેથી માછીમારોમાં જબરો અસંતોષ ઉભો થયેલો હતો.
આ બાબતે સરકારમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. અંતે આ બાબતે સેલટેક્ષ (વેટ) રાહતના નવા નિયમ ઉપર ફરી વખત વિચારણા કરવા અગત્યની બેઠક બોલાવી હતી. જેમાં સરકાર તરફથી મુખ્યમંત્રી, નાણામંત્રી, મત્સ્યોદ્યોગ મંત્રી, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, સચિવો, ફીશરીઝ કમીશ્નર વગેરે હાજર રહ્યા હતા. ચર્ચા-વિચારણાના અંતે ગુજરાતના માછીમારોને ૧ લીટર દીઠ રૃા. ૧૨ સેલટેક્ષ (વેટ)માં રાહત આપવી તથા આઈઓસી દ્વારા જેટલી અવધિ માટે રૃા. ૨.૨૮ પૈસા આપવામાં આવે છે તે સાથે મળીને કુલ ૧૪.૨૮ પૈસા લીટરદીઠ રાહત આપવામાં આવશે એવું આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું.