ગુજરાતના દરિયામાં માછલીઓ ખૂટતા માછીમારી રોજગાર ચિંતાજનક સ્થિતિમાં..

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

સરકાર ભલે માછીમારો માટે મોટી મોટી યોજનાઓની ગુલબાંગો પોકારતી હોય, તેનાથી સાગરખેડુઓનું કંઈ ઉત્થાન થયુ હોય કે નહીં, પરંતુ સરકારના વાયદા અને વચનોની લ્હાણી વચ્ચે બહાર આવતી એક ગંભીર ચોંકાવનારી હકિકત અનુસાર ગુજરાતના દરિયામાં માછલીઓ ખૂટી પડી છે. આ વખતે માછીમારીની સિઝન એક મહિનો વહેલી પૂર્ણ થઈ જતા હજ્જારો માછીમારો બેકાર બની ગયા છે. ગુજરાતના દરિયામાં માછીમારી કરવા ગયેલી ૧૦ હજારથી વધુ બોટ એક-દોઢ મહિનો વહેલી કિનારે પરત ફરી ગઈ છે.

ગુજરાતમાં ૧૬૦૦ કિ.મી. લાંબો વિશાળ દરિયા કિનારો આવેલો છે. આ કિનારેથી હજ્જારો માછીમારો દરિયામાં જઈને માછીમારી કરીને રોજગારી મેળવે છે. છેલ્લા અડધા દશકાથી આડેધડ થઈ રહેલી માછીમારી અને ગ્લોબોલ વોર્મિંગ જેવી અસરના કારણે દરિયામાં માછલી ખૂટવા માંડી છે. મળતી વિગતો અનુસાર ૧પ ઓગષ્ટથી માછીમારીની સીઝન શરૂ થાય છે.

આ સિઝન ૧૦ જૂન સુધી ચાલે છે. તેના બદલે આજની સ્થિતિએ મોટાભાગની માછીમારી બોટ દરિયામાંથી પરત આવી ગઈ છે. માછીમાર આગેવાન જમનાદાસ વંદુર કહે છે કે, રપ ટકા બોટ તો સંક્રાંત સમયે જ પરત આવી ગઈ હતી. જ્યારે ૩૦ ટકા બોટ હોળીના સમયે પરત ફરી હતી. બાકીની લગભગ બોટ માર્ચ માસથી દરિયામાંથી બહાર નિકળી ગઈ છે.

ગુજરાતના દરિયામાં માછીમારી કરતી ૧૦ હજારથી વધુ બોટમાંથી હાલ માંડ બે-ચાર ટકા બોટ માછીમારી કરતી હશે ! માછીમારીની સિઝન નિયત સમય કરતા દોઢ-બે માસ વહેલી પુરી થઈ ગઈ છે. માછલીઓનું ઉત્પાદન દર વખતની સરખામણીએ ૩૦ ટકા જેટલુ માંડ થયુ છે. તેની સામે ભાવમાં પણ ફટકો લાગ્યો છે. માછલીના પુરતા ભાવ બજારમાં મળતા નથી. દરિયામાં માછલીઓ ન મળતી હોવાથી માછીમારોની હાલત ખુબ જ કફોડી બની ગઈ છે. બોટ માલિકો દેવાના ડૂંગર તળે દબાઈ ગયા છે.

Share This Article