અમદાવાદ : રાજયભરમાં ભારે ખળભળાટ મચાવનારા રૂ.૪૦૦ કરોડના ફિશરીઝ કૌભાંડમાં પૂર્વ મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકી અને પૂર્વ કૃષિમંત્રી દિલીપ સાંઘાણીને ગુજરાત હાઇકોર્ટે બહુ મોટો ઝટકો આપ્યો છે. રાજયની વિવિધ તળાવો અને તળાવડીમાં ફિશરીઝ માટેનો કોન્ટ્રાક્ટ બારોબાર આપી દેવાના અને તેમાં ગંભીર અનિયમિતતા આચરવામાં આ બંને પૂર્વ મંત્રીઓની ગંભીર સંડોવણી સામે આવી હતી. આ ચકચારભર્યા કૌભાંડ અંગે બંને પૂર્વ મંત્રીઓ વિરૂધ્ધ ગાંધીનગર કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી સંદર્ભે તેઓની વિરૂધ્ધ જારી થયેલા પ્રોસેસ રદ કરાવવા માટે પરસોત્તમ સોલંકી અને દિલીપ સાંઘાણીએ હાઇકોર્ટમાં ઘા નાંખી હતી. પરંતુ હાઇકોર્ટે બંનેની અરજી ફગાવી દઇ દિલીપ સંઘાણી અને પરસોત્તમ સોલંકી બંને પૂર્વ મંત્રીઓને બે અઠવાડિયામાં ટ્રાયલ કોર્ટ સમક્ષ હાજર થવા બહુ મહત્વનો આદેશ કર્યો હતો.
ગુજરાત હાઇકોર્ટના આ હુકમને પગલે હવે ગાંધીનગર કોર્ટમાં બંને પૂર્વ મંત્રીઓ વિરૂધ્ધ ગાંધીનગર કોર્ટમાં ટ્રાયલની પ્રક્રિયા આગળ ધપી શકશે. ચકચારભર્યા આ કેસની વિગત એવી છે કે, રૂ.૪૦૦ કરોડનાં ફિશરીઝ કૌભાંડમાં પૂર્વ મંત્રી પરસોત્તમ સોલંકી અને દિલીપ સંઘાણીએ તેમની સામે ગાંધીનગર ટ્રાયલ કોર્ટ દ્વારા પ્રોસેસ(સમન્સ) જારી કરાયા હતા, જેને રદ કરવા બંને અરજદારો તરફથી ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરાઇ હતી. જા કે, જસ્ટિસ જે.બી. પારડીવાલાએ બંને પૂર્વ મંત્રીઓની અરજી આકરા વલણ સાથે ફગાવી દીધી હતી.
હાઇકોર્ટે બંને પૂર્વ મંત્રીઓને રાહત આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. જેને પગલે બંને પૂર્વ મંત્રીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. ચકચારભર્યા આ કૌભાંડમાં એસીબી દ્વારા હાથ ધરાયેલી તપાસમાં પરસોત્તમ સોલંકીની ભૂમિકા મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવી હતી, જયારે દિલીપ સાંઘાણીની મદદગાર તરીકેની ભૂમિકા સામે આવી હતી.