સ્પેશ્યલ ઓલિમ્પિકની સુવર્ણ જયંતિની ઉજવણીના ભાગરૂપે સ્પેશ્યલ ખેલાડીઓ માટેની દેશની પ્રથમ ‘ખેલો ઇન્ડિયા’ નેશનલ ગેમ્સ ૯ જુલાઇ સુધી ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે યોજાઇ રહી છે.
રાજ્યના યુવાનોને રમતમાં સક્ષમ બનાવીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઇ જવાના હેતુથી સૌ પ્રથમવાર રાજયમાં ખેલ મહાકુંભનો પ્રારંભ થયો હતો. જે આજે પણ દર વર્ષે ગુજરાતમાં યોજવામાં આવે છે, જેમાં લાખો ખેલાડીઓ વિવિધ રમતોમાં ભાગ લઈને પોતાનુ કૌવત રજૂ કરે છે. રાજ્ય સરકાર ખેલ મહાકુંભમાં વિજેતા ખેલાડીઓને દર વર્ષે અંદાજે રૂ.૫૫ કરોડથી વધુની ઈનામી રકમ આપીને સન્માનિત કરે છે.
જેમાંથી પ્રેરણા લઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં આજે પ્રથમવાર દિવ્યાંગો માટેનો ખેલો ઈન્ડિયા અભિયાનનો પ્રારંભ થયો છે. દેશના દિવ્યાંગ-સ્પેશ્યલ બાળકો પણ રમતમાં ભાગ લઈને પોતાની પ્રતિભા રાજ્ય-રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રજૂ કરી શકે તે માટે દેશમાં પ્રથમવાર આજે ગુજરાતમાં ગાંધીનગર ખાતે ખેલો ઈન્ડિયા નેશનલ ગેમનો પ્રારંભ થયો છે. જેમાં ગુજરાત સહિત ૨૬ જેટલા રાજ્યોના ૪૬૦ સ્પેશ્યલ બાળકો રમતમાં પોતાનું કૌશલ્ય બતાવશે.
ગુજરાત સરકારે પણ ખેલ મહાકુંભના માધ્યમથી લાખો ખેલાડીઓને નેશનલ કક્ષાના કોચ દ્વારા કોંચિંગ આપીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તૈયાર કર્યાં છે. જેના પરિણામે આજે ગુજરાતના ખેલાડીઓ કોમનવેલ્થ ગેમ્સ, નેશનલ ગેમ્સ જેવી રમતમાં પોતાનું કૌવત બતાવીને મેડલ જીતી રહ્યાં છે. દેશના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર એવા પાર્થિવ પટેલ, રવિન્દ્ર જાડેજા, ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણ, બુમરાહ, અક્ષર પટેલ જેવા અનેક ખેલાડીઓએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આ પાંચ દિવસની રમતમાં વિવિધ રાજ્યોના સ્પેશ્યલ ખેલાડીઓ રમતમાં પોતાનુ શ્રેષ્ઠ પ્રદાન આપી પોતાનુ-માતાપિતાનું, રાજ્યનું અને દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છા નાયબ મુખ્યમંત્રીએ ખેલાડીઓને પાઠવી હતી. તેમજ આ રમતના સફળ આયોજન બદલ કેન્દ્ર સરકાર અને આયોજકોને અભિનંદન આપ્યા હતા.
કેન્દ્રીય આરોગ્યમંત્રી જે.પી.નડ્ડાએ સ્પેશ્યલ ઓલિમ્પિકસના ૫૦ વર્ષની ઉજવણી નિમિતે યોજાયેલ દેશના પ્રથમ ખેલો ઈન્ડિયા નેશનલ ગેમના સફળ આયોજન માટે રાજ્ય સરકાર અને આયોજકોનો આભાર માનતા જણાવ્યું હતું કે, સમાજમાં સારા અને શ્રેષ્ઠ કામ માટે યોગ્ય નીતિની જરૂર પડે છે. આજે હું ગૌરવ સાથે કહી શકું છું કે, દેશના પ્રધાનમંત્રીની પ્રેરણાથી ગુજરાતની ભૂમિ ઉપર દેશની પ્રથમ દિવ્યાંગો માટેની ખેલો ઈન્ડિયા નેશનલ ગેમ યોજાઈ રહી છે. ગુજરાતના ખેલમહાકુંભનું વિશાળ સ્વરૂપ એટલે ‘ખેલો ઈન્ડિયા અભિયાન’ તેમ જણાવી નડ્ડાએ કહ્યું કે, દિવ્યાંગ ખેલાડીઓને પ્રોત્સાહન માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોમાં વિજેતાને રૂ. ૧ કરોડ ૪૩ લાખ જેટલી રકમ ઈનામ સ્વરૂપે ભારત સરકાર દ્વારા આપવામાં આવી છે.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી.નડ્ડા અને રમત ગમત રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં ‘ખેલો ઇન્ડિયા નેશનલ ગેમ્સ’ ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો.