અમદાવાદ: સમાજમાં મોટી ઉંમરના વડીલોની સારવાર અંગે પરિવારમાં જાગૃતતા વધી છે. જયારે પરિવારમાં પોતાના વડિલની છત્રછાયાને સલામત રાખવાની ઉમદા ભાવના અને તબીબ પર વિશ્વાસ મુકીને જોખમી સારવાર કરવાની સંમતિ દર્શાવે ત્યારે તબીબ પણ અનુભવ અને કુશળતાથી નવજીવન આપવામાં પાછી પાની કરતાં નથી. આવા જ એક કિસ્સામાં રાજસ્થાન હોસ્પિટલનાં ચીફ ઇન્ટરવેન્શનલ કાર્ડીયોલોજીસ્ટે ગંભીર કોમ્પિલકેશન ધરાવતાં અને મોતનાં મુખમાં ધકેલાયેલા ૯૮ વર્ષીય દર્દીમાં ‘પરમેનન્ટ પેસમેકર મશીન’ મુકી નવજીવન આપ્યાનો રાજ્યનો પ્રથમ કેસ
અમદાવાદમાં શાહીબાગ ખાતેની ટ્રસ્ટ સંચાલિત રાજસ્થાન હોસ્પિટલનાં ચીફ ઇન્ટરવેન્શનલ કાર્ડીયાેલોજીસ્ટ ડો. હિતેષ શાહે અત્યંત ક્રિટીકલ સ્થિતિમાં સારવાર માટે આવેલાં તેમજ કિડની ફેલ્યોર, ન્યુમોનિયા અને ડાયાબીટીસ જેવી બીમારીથી પીડાતા ૯૮ વર્ષનાં દર્દીમાં પેસમેકર મુકીને નવજીવન આપ્યું છે. સમગ્ર ગુજરાતમાં ૯૮ વર્ષની વયનાં દર્દીમાં આટલા કોમ્પિલકેશન સાથે ‘પરમેનન્ટ પેસમેકર મશીન’ મુકાયાની સફળ પ્રોસિઝર કર્યાનો પ્રથમ કેસ છે, જેથી આ કેસને મેડિકલ જર્નલમાં પબ્લિશ કરવાની તજવીજ હાથ ધરી છે. કોન્ફરન્સમાં દર્દીના પરિજનો ઉપસ્થિત રહીને પોતાનાં વડીલને બચાવવા માટે અન્ય લોકોને પ્રેરણા આપશે.
આ કેસની વિગતો આપતાં ડો. હિતેષ શાહ જણાવી રહ્યાં છે કે, ગત ૫મી જુલાઇનાં રોજ પરોઢિયે ૫ કલાકે ૯૮ વર્ષીય મણિભાઇ પંચાલને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં લવાયા હતા, દર્દીની તપાસ કરતાં તેમનો શ્વાસ બરાબર ચાલતો ન હતો, અને હૃદયનાં ધબકારા ૩૦થી પણ ઓછા હતા. જયારે ઓક્સિજનનું પ્રમાણ ૭૦ ટકાથી પણ ઓછું હતું. પરંતુ, મણિભાઇનાં પરિવારે આવીને કહ્યું કે,અમને તમારી સારવાર પર વિશ્વાસ છે અને તમારે કોઇપણ ભોગે બચાવવાના છે, જેથી પરિવારનો મારા પર વિશ્વાસ જોઇને મેં અને મારી ટીમ દ્વારા તાત્કાલિક તેમની સારવાર શરૂ કરી, જેમાં પ્રથમ હૃદયનાં ધબકારા વધારવા માટે ટેમ્પરરી પેસમેકર મશીન(ટીપીઆઇ) મુકવામાં આવ્યું, અને વેન્ટિલેટર પર મુકવામાં આવ્યાં. ત્યાારબાદ તેઓ ૨૪ કલાકે ભાનમાં આવ્યાં હતા. ત્યારબાદ બે દિવસ બાદ વેન્ટીલેટર કાઢ્યું, પણ તેમની આ સ્થિતિનાં કાયમી નિરાકરણ માટે પરમેનન્ટ પેસમેકર મશીન મુકવું આવશ્યક હતુ.
પરંતુ, ૯૮ વર્ષનાં દર્દીમાં કિડની ફેલ્યોરથી લઇને અન્ય ગંભીર કોમ્પિલકેશનથી ઓપરેશન ટેબલ પર જ દર્દીનું મૃત્યુ થવાની શક્યતા હોવાથી જોખમ ભરેલું હતું. જેથી દરેક સ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી તમામ તૈયારી કર્યા બાદ ૧૦મી જુલાઇએ પરમેનન્ટ પેસમેકર મશીન મુકવાની સફળ સર્જરી કરી, તેમજ સાત દિવસ સુધી હોસ્પિટલમાં દેખરેખ હેઠળ રાખ્યા અને સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ દર્દીને ૧૭ જુલાઇનાં રોજ રજા આપવામાં આવી.
સ્થિતિ કેમ ગંભીર હતીઃ–
દર્દી બેભાન અવસ્થામાં હોવાથી સાથે હૃદયના ધબકારા અને શ્વાસ બરાબર ચાલતા ન હતા. સાથો સાથ દર્દી કિડની ફેલ્યોર, ડાયાબીટીસ અને ન્યુમોનિયાની સાથે પાંચ વર્ષ પહેલાં ગંભીર હાર્ટ એટેક આવતાં ડો. હિતેષ શાહે એન્જિયોપ્લાસ્ટી કરી હતી.જેથી ઓપરેશન દરમિયાન દર્દીનું ઇન્ફેકશન, હૃદયમાં પંકચર, પાણી ભરાઇ જવું અને ઓપરેશન ટેબલ પર મૃત્યુની શક્યતા હતી.
સારવારને અભાવે દર્દીનું મૃત્યુઃ–
હાર્ટ બ્લોક (હૃદયનાં ધબકારા ઘટી જવાની) બીમારીનું પ્રમાણ ૦.૦૪ ટકા હોય અને ઉંમરની સાથે દર્દીની તકલીફમાં વધારો થાય છે.જેથી તાત્કાલિક સારવારને અભાવે ઘણાં કેસમાં દર્દીનું મૃત્યુ પણ થાય છે.
મેડિકલ જર્નલમાં પબ્લિશ કરાશેઃ–
૯૮ વર્ષની વયનાં દર્દીમાં એક સાથે વધુ કોમ્પિલેકશન હોય અને છતાં તેમાં સફળતાપૂર્વક પરમેનન્ટ પેસમેકર(પીપીઆઇ) મુકાયાનો પ્રથમ કેસ છે. હજુ સુધી આટલા કોમ્પિલકેશન સાથે સફળ પીપીઆઇ મુકાયાનો એક પણ કેસ રિપોર્ટ થયો નથી, જેથી ગુજરાતના આ સૌ પ્રથમ કેસને મેડિકલ જર્નલમાં પબ્લિશ કરાશે.