ખાંભા તાલુકાના ભાટ ગામની સીમમાં ત્રણેક જેટલા શિકારીઓ દ્વારા વન્યજીવોનો શિકાર કરવાની પેરવી ચાલી રહી હોવાની સૌપ્રથમ સ્થાનિક આર.એફ.ઓ.ને બાતમી મળી હતી. પરંતુ તેણે આ વાતની ગંભીરતા ન લીધી અને ઘટના સ્થળે આવ્યા નહીં. બાદમાં આ અંગેની માહિતી ગીર પૂર્વના ડીસીએફ કૃપાસ્વામીને મળતા તેઓ તુરંત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેણે આસપાસની અન્ય તમામ રેન્જનો સ્ટાફ અહીં અધિકારી અને ભાટ ગામની સીમમાં બોલાવી લીધા હતા.
બાદમાં બનાવવાળી જગ્યાથી એક કિ.મી. દુરથી ૧૦૦ જેટલા વનવિભાગનો સ્ટાફ અને અધિકારીઓ ઘટના સ્થળે બેટરી વગર અંધારા ચાલીને પહોંચ્યા હતા. જ્યાં ડીસીએફ સહીતના તમામ અધિકારીઓે શિકારી ટોળકીને ચીંકારાનો શિકાર કરતા નજરે નિહાળ્યા હતા. જેમાં ત્રણ જેટલા શિકારીઓ દ્વારા ચીંકારાને બંધુકની ગોળી મારી હતી અને ત્યાં જ ચિંકારાનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. આ સમગ્ર મામલો હાજર વનવિભાગના અધિકારી તથા સ્ટાફે નિહાળ્યા બાદ તેને પકડવાની તજવીજ કરતા શિકારીઓ બચવા માટે વનવિભાગ સામે બંધુકમાંથી ચાર જેટલા રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું.
જેથી સામા પક્ષે વનવિભાગ દ્વારા શિકારીઓને ડરાવવા માટે અને સ્વરક્ષણ માટે બે રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યું હતું. પરંતુ સો જેટલા લોકોનો સ્ટાફ હોવા છતાં માત્ર ત્રણેક જેટલા શિકારીઓને પકડવામાં વનવિભાગ વામણુ પુરવાર થયું હતું. ફાયરીંગ દરમ્યાન કોઈને ઈજા થઈ ન હતી. બાદમાં ત્રણેય શિકારીઓ નાસી છૂટયા હતા. વનવિભાગનાં સુત્રોના જણાવ્યા પ્રમાણે, મીતીયાળા ગામના મનસુખ વાઘેલા નામના શખ્સની શંકાના આધારે પુછપરછ હાથ ધરી છે.
જ્યારે સુત્રોની વાત માનીએ તો આ બનાવમાં મીતીયાળા ગામનાં જ ત્રણેય શિકારીઓ હોવાનું ચર્ચાય રહ્યું છે. આ અગાઉ પણ ખાંભાના કોઠારીયા નજીકથી વનવિભાગે વન્યજીવોનું માંસ રાંધતા રંગે હાથ પકડી પાડયા હતા. છતાં પણ આવા અનેક ગેરકાયદેસર કૃત્યો ખાંભા પંથકમાં વનવિભાગની મીઠી નજર હેઠળ ધમધમી રહ્યા છે.