અમદાવાદ શહેરના એસજી હાઇવે પર આવેલા સર માઉન્ટ ટાવર ના સાતમા માળે ખાનગી કંપનીની ઓફિસમા આજે બપોરે રિટાયર્ડ પીડબલ્યુડીના કર્મચારીએ રૂ. એક કરોડથી વધુની ઉઘરાણી મામલે વેપારીને ડરાવવા ફાયરીંગ કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. જો કે, આ ઘટનામાં કોઈને જાનહાની થઇ ન હતી. બીજીબાજુ, બનાવની જાણ થતાં સેટેલાઇટ પોલીસે ગણતરીના કલાકોમાં ફાયરીંગ કરનાર નિવૃત કર્મચારીની ધરપકડ કરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, એસજી હાઇવે પર આવેલા સર માઉન્ટ ટાવરમાં પ્લાસ્ટિકના ઉત્પાદન સાથે જોડાયેલી કંપનીના માલિક પ્રીતેશ શાહ બપોરે પોતાની ઓફિસમાં બેઠા હતા ત્યારે રૂપિયા એક કરોડથી વધુની ઉઘરાણી મામલે પીડબલ્યુડીમાંથી નિવૃત્ત થયેલા પ્રકાશ રાવલે તેમને ડરાવવા માટે ઓફિસમાં સાઈડમાં લાયસન્સવાળી ગનથી ફાયરીંગ કર્યું હતું. આરોપીએ ફાયરીંગ કરી વેપારીને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો.
બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. વેપારીએ બનાવ અંગે તાત્કાલિક પોલીસમાં જાણ કરતાં સેટેલાઇટ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો હતો અને તેની પાસેથી ગુનામાં વપરાયેલી રિવોલ્વર પણ જપ્ત કરી હતી. પોલીસ દ્વારા હાલ પૈસાની ચોક્કસ રકમ કેટલી છે ક્યારે પૈસા આપવામાં આવ્યા હતા તેને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આરોપી પ્રકાશ રાવલની ધરપકડ કરી લેતાં સ્થાનિક વેપારીઓમાં પણ આ બનાવને લઇ ભારે ચર્ચા ચાલી હતી.