ગ્રેટર નોઈડાના નોલેજ પાર્ક-3 વિસ્તારમાં આવેલી અન્નપૂર્ણા ગર્લ્સ હોસ્ટેલમાં આગ લાગવાની ઘટના બની હતી. ગર્લ્સ હોસ્ટેલમાં આગના બનાવથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. હોસ્ટેલમાં એસીમાં થયેલ બ્લાસ્ટના કારણે આગ લાગી હતી અને ઝડપથી ફેલાઈ ગઈ હતી. આ ઘટના સમયે હોસ્ટેલમાં કેટલીક છોકરીઓ હાજર હતી, જેમણે કોઈક રીતે કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.
જો કે, આગની આ ઘટના દરમિયાન હોસ્ટેલના બીજા માળે બે વિદ્યાર્થીનીઓ ફસાઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ તેમને સીડીની મદદથી નીચે લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નીચે ઉતરતી વખતે એક વિદ્યાર્થી કૂદવાનો પ્રયાસ કરતા નીચે પડી ગઈ હતી. જો કે, ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, તેને કોઈ ગંભીર ઈજા થઈ નથી અને તે સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ બનાવનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે.
ફાયર બ્રિગેડ ઓફિસરે આ મામલે જણાવ્યું કે, ગુરુવારે સાંજે લગભગ ૫ વાગ્યે જાણકારી મળી હતી કે નોલેજ પાર્ક-૩ સ્થિત અન્નપૂર્ણા ગર્લ્સ હોસ્ટેલમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આ દરમિયાન એફએસઓ પણ ઘટના સ્થળ પર હાજર હતા. કેટલાક લોકો અંદર ફસાયા હોવાની માહિતી મળી હતી, પરંતુ ફાયરની ટીમ આવે તે પહેલા તમામને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.‘