મિત્રો,
રવિવારનો દિવસ હોય અને સાંજે કરાઓકે પર અમે પતિ -પત્ની લિવિંગ રૂમમાં ટીવી સામે ફિલ્મી ગીતો ગાતા હોઈએ, દિકરો-વહુ, દિકરી પોતપોતાના રુમમાં હોય ક્યાંતો કશેક ફરવા ગયા હોય અને આ રવિવારે તો આઇપીએલની મેચ પણ હતી. મારી મિત્ર સ્વીટી જરીવાળાએ ઘણા દિવસો પહેલા એના એક ઓળખાણવાળા ભાઈ કૌશિક (જે ફિલમ પ્રમોશન સાથે સંકળાયેલા છે) આવ્યા અને ‘રેવા’ ફિલ્મનું ટ્રેલર મોબાઇલ પર બતાવ્યું અને તત્વમસિ નવલકથા પરથી ફિલ્મ બની રિલીઝ થવા જઈ રહી છે તેની વાત કરી. લેખક જય વસાવડા વગરેનાં રીવ્યું જોયા અને મને આ ફીલ્મ જોવાનું આમંત્રણ મળ્યું. ગુજરાતી ફિલ્મો ખુબ મઝાની હોય છે અને થોડાં વર્ષોથી ઉત્તમ કલાકૃતિઓ સાથે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ વેગવંતો બન્યો છે અને આધુનિક પ્રેક્ષકોને તથા યુવા વર્ગને આકર્ષવામાં પણ સફળ રહ્યો છે.
સાહિત્યકૃતિ પરથી ફિલ્મ બની રહી હોય, ધ્રુવ ભટ્ટ જેવા ઉત્તમ કથાકારની વાતને કંડારાતી હોય, ગુજરાતની નર્મદા મા, સુરપાણેશ્વર મંદિર, ભેડાઘાટ, પરિક્રમાની વાતો વાણી લેવાઈ હોય તો સ્વાભાવિક છે કે આપણી ઉત્સુકતા વધી જ જાય અને મિત્રો ખરેખર ફિલ્મ જોતા એવા તન્મય થઇ ગયા અને અંતે સર્વ કલાકારો સાથેનો પરિચય અને સુરત શહેરના આટલા બધા કલાકારોએ એમાં કામ કર્યું છે એ જાણી રવિવારની સાંજ એક ઉત્તમ કૃતિને માણતા વીતી. સુપ્રસિધ્ધ ગાયક- કિર્તીદાન ગઢવી, સંગીત- અમર ખધા,
ખાસ ફિલ્મની વાત કરું તો કુદરતના ખોળે બેસી નદી કિનારે બેસી જાણે કે દૂરબીન લઇ કોઈ ઘટનાઓમાંથી પસાર થઇ રહયા હોઈએ એવું લાગ્યું. “મા રેવા રેવા તારું પાણી નિર્મળ…” નર્મદા નદીના દ્રશ્યો સાથે વાગતું જાય. શબ્દો થોડા છે અને સુમધુર આલાપ અનાયાસે હૃદયને એક અનેરી શાંતિ અર્પે છે. ફિલ્મના પાત્રો એટલા સહજ છે કે ક્યાંય એવું નહિ લાગે કે એક્ટિંગ કરી રહયા છે. સૌ કલાકારોએ ખરેખર ફિલ્મની વાર્તાને અને નર્મદા નદીની લોકવાયકાઓને આત્મસાત કરી લીધા છે. ડિરેકટર રાહુલ ભોલે અને વીની કનૌજિયા, સ્ક્રીનપ્લે રાહુલ ભોલે ,ચેતન ધાનાણી, વીની કનૌજિયા અને સુરતના પ્રોડ્યૂસર પરેશ વોરાએ ખુબ સંતુલિત અને રાજશ્રી પ્રોડકશનની યાદ અપાવે એવી ફિલ્મ બનાવી છે. લીડીંગ એકટર ચેતન ધાનાણી, મોનલ ગજ્જર ખુબ સરસ ભાવ અભિવ્યક્તિ અને આ ફિલ્મના દરેક કલાકારો સંતુલિત અદાકારી સાથે પોતાના અભિનયની છાપ છોડી જાય છે. સિનેમેટોગ્રાફી પણ ઉત્કૃષ્ટ. બધા ગીતોનો સમાવેશ નથી કરાયો પણ એકંદરે ગીત સંગીત સાંભળવું ગમે એવું છે.
છેલ્લા બે વર્ષથી હું અને જોબન અમદાવાદ GIFAએવોર્ડ ફંક્શન જોવા જઇયે છે. સો-દોઢસો ફિલ્મો જોયા પછી જ્યુરી ત્રીસથી પાંત્રીસ આ વર્ષમાં રીલીઝ થયેલ ફિલ્મો પસંદ કરે છે અને પછી એમાં રસાકસીભરી પસંદગીના એવોર્ડ બધા વિભાગ માટે અપાય છે. ગુજરાતી ફિલ્મના દિગ્ગજ કલાકારો અને બોલીવુડના ડિરેકટર-એક્ટર-એક્ટ્રેસસીસના હસ્તે એવોર્ડ અપાય છે. આશા છે ૨૦૧૮ના વર્ષમાં ‘રેવા’ ફિલ્મ જરૂરૂથી નોમિનેટ થશે. અભિનંદન સૌ રેવા ફિલ્મના કસબી કલાકારોને.
-મનીષા જોબન દેસાઈ