વિશ્વભરમાં આવતીકાલે ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવનાર છે. આને લઇને તમામ પરિવારમાં પિતાને ખાસ સન્માન આપવા માટે કેટલાક આયોજન કરવામાં આવે છે. પિતા શુ હોય છે તે બાબતને તમામ લોકો સારી રીતે સમજે છે. પિતાનો હાથ જે તમામને સાથે લઇને ચાલે છે. ભલે તમામને સાથે લઇને ચાલવાની સ્થિતીમાં પોતાની ગતિ ધીમી કેમ ન થઇ જાય. પિતા હમેંશા બાળકોની જવાબદારી ખુબ ખુશી સાથે અદા કરે છે. પિતા પોતાની લાઇફને પણ બાળકો માટે સમર્પિત કરી દે છે. પિતાનો હાથ જે દુનિયામાં કાળઝાળ ગરમી વચ્ચે માથા પર છાયડાની સમાન હોય છે. પિતાનો હાથ એક અલગ જ વિશ્વાસ બાળકોમાં જન્માવે છે. સાથે સાથે એક અલગ અહેસાસ કરાવે છે. ક્યારેય તો અદ્રશ્ય થઇને પણ અનુભવ થાય છે. જ્યારે અમે નાના હતા ત્યારે પિતા મોડી સાંજે ઘરે પરત ફરતી વેળા તેમના ચહેરા બાદ સૌથી પહેલી નજર તો તેમના હાથમાં પડતી હતી.
પિતા લઇને શુ આવ્યા છે તે બાબતની અમને ઉત્સુકતા રહેતી હતી. ક્યારેય તેમના હાથમાં શાકભાજી રહેતી હતી તો ક્યારેય ફળફળાદી રહેતી હતી. ક્યારેય અમારી મનપંસદ ચીજ રહેતી હતી. પિતા હમેંશા આપવા ઇચ્છે છે. પિતા પોતાના માટે ક્યારેય કોઇ ચીજ માંગતા નથી. પોતાના માટે જ્યારે કોઇ ચીજ લેવાનો નંબર આવે ત્યારે તમામ પિતાનો એક સમાન જવાબ હોય છે તે તે જવાબ હોય છેકે હાલમાં તેમને તો કોઇ ચીજની જરૂર નથી. જ્યારેતમામ લોકો સારી રીતે જાણે છે કે પરિવારની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે પિતા હમેંશા પોતાની જરૂરિયાતને નજર અંદાજ કરી નાંખે છે. પોતાની ઇચ્છામાં પિતા હમેંશા મોટા કાપ મુકે છે પરંતુ બાળકોની નાની નાની ઇચ્છાને પૂર્ણ કરવા માટે સતત સક્રિય હોય છે. બાળકોની કોઇ ઇચ્છાને અધુરી છોડવા માટે તૈયાર હોતા નથી. કોઇ પણ ચીજ માટે પિતા એ વખત સુધી ઇન્કાર કરતા નથી જ્યાં સુધી તેમની સામે કોઇ મજબુરી ન આવે. તેમની મોટી વય માટે તેમની પાસે કોઇ ચીજ રહે કે ન રહે તેની ચિંતા કર્યા વગર બાળકને તમામ પ્રકારના સુખ આપવા માટે કટિબદ્ધ રહે છે.
પિતાનો હાથ ઇશ્વરના હાથની સમાન હોય છે. જે માત્ર આપવા જાણે છે લેવાના નામ પર બસ બાળકોનો સાથ જીવનભર ઇચ્છે છે. બાળપણની કેટલીક યાદો આજે જ્યારે લેખ લખી રહ્યુ છુ ત્યારે તાજી થઇ રહી છે. જે યાદ આજે પણ એટલી જ તાજી છે જેવી વર્ષો પહેલા હતી. રસોડામાં ગેસ સિલિન્ડર ખતમ થઇ જાય તો માતા પિતાને અવાજ લગાવતી હતી. પિતા આવતા હતા અને ખુબ સાવધાનીપૂર્વક ગેસ સિલિન્ડર બદલી નાંખતા હતા. જે ડબ્બા લાખ તાકાત લગાવી દીધા બાદ પણ ખુલતા ન હતા તે ડબ્બાને પિતા ખોલી દેતા હતા. પિતાના હાથમાં આવતાની સાથે જ ડબ્બા ખુલી જતા હતા. ઘરમાં કોઇ લાઇટ ખરાબ થઇ જાય તો આ કામ પણ પિતાના હિસ્સામાં જ આવતુ હતુ. સફાઇ માટે છતથી પંખા ઉતારવાના હોય કે પછી બારી બારણા પેન્ટ કરવાના હોય તમામ કામ પિતા પાસે આવતા હતા. આવા અનેક કામ માટે પિતા જ આગળ આવતા હતા. એટલુ જ નહીં જરૂર પડે તો નાના મોટા કામ માટે મેકેનિક પણ બની જતા હતા. ભારે ભારે ચીજા પણ પિતા ખબર નહીં કઇ રીતે ઉઠાવી લેતા હતા. પિતાના હાથ ખુબ તાકતવર હોય છે તે સતત કામ કરતી વેળા પણ થાકતા નથી. થાક લાગે તો પણ ફરિયાદ કરતા નથી.
બાળકો જ્યારે હેરાનગતિ કરે છે ત્યારે પોતાના બાળકોની ધોળાઇ કરવા માટે પણ તૈયાર રહે છે. લાંબા સમય સુધી બાળકો સમજી શકતા નથી કે તેમની ફટકારની પાછળ પણ તેમની ચિંતા અને પ્રેમ છુપાયેલા હોય છે. બાળકો શિસ્તમાં રહે તે માટે માતા પિતા હમેંશા પ્રયાસ કરે છે. માતા પિતા પૈકી એક કઠોર રહે તે જરૂરી હોય છે. કઠોર બનવા માટેની બાબત પણ પિતા પર આવી જાય છે. જ્યારે બાળકો મોટા થઇ જાય છે ત્યારે પિતા નબળા બની જાય છે. મોટી વયમાં પણ પિતા હમેંશા બાળકોની ઇચ્છાને પૂર્ણ કરવામાં જ લાગેલા હોય છે. પિતાનો દરજ્જા સર્વોચ્ચ છે. બાળકો તેમને આધુનિક સમયમાં પૂર્ણ રીતે સમજીને આગળ વધે તે જરૂરી છે. પિતાની ઇચ્છાને પૂર્ણ કરવાની બાળકોની પણ જવાબદારી તો બને છે.