સુરત: સુરત જિલ્લામાં અનરાધાર વરસાદની સાથે ચોમાસાની ઋતુનો પ્રારંભ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. મેઘરાજા મન મૂકીને વરસતાં ધરતીપુત્રોએ વાવણીના શ્રીગણેશ કર્યા છે. માંડવી તાલુકાના અંતરિયાળ એવા ફૂલવાડી ગામના ખેડૂતોએ ડાંગરની રોપણી આરંભી છે. ખેડૂતો દ્વારા ડાંગરના ધરૂં તૈયાર કરી દેવામાં આવ્યા હતા. વરસાદી માહોલની વચ્ચે ખેડૂતોએ હોંશભેર ડાંગરના ધરૂંની રોપણી શરૂ કરી દીધી છે.
ચોમાસાની ઋતુના પ્રારંભ સાથે જિલ્લાના ખેડૂતો ધરૂવાડીયામાં ડાંગરનું ધરૂ તૈયાર કરી દે છે. વધારે વરસાદ આવતાં જ ડાંગર ધરૂંની ફેર રોપણી કરવામાં આવે છે. આદિવાસી સમાજના ખેડૂતો દ્વારા ડાંગરની રોપણી પહેલાં પોતાનાં ઇષ્ટદેવને રીઝવી પ્રાર્થના કરવામાં આવે છે આ વર્ષે દરેક ખેડૂતના ખેતરમાં વિપુલ માત્રામાં ધનધાન્ય પાકે અને ખેડૂતો પરિવાર સાથે સુખમય જીવન વ્યતિત કરે, વરસાદી પ્રકોપ અને કુદરતી આફતોથી પાકને રક્ષણ મળે.