મહિન્દ્રા ટ્રેક્ટર્સની 75માં સ્વતંત્રતા દિવસની ઉજવણીના પ્રસંગમાં ખેડૂતોએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

મહિન્દ્રા ટ્રેક્ટર્સ  દ્વારા ભારતના  75માં  સ્વતંત્રતા  દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘હર ઘર તિરંગા’ અભિયાનથી પ્રેરિત થઇને મહિન્દ્રા ટ્રેક્ટર્સે વાસ્તવિક ભારત, એટલે કે ગામડામાં આ વિશેષ પર્વની ઉજવણી કરી હતી. ગામ વિશે મહાત્મા ગાંધીએ ૨૦મી સદીની શરૂઆતના સમયે કહેલું એક પ્રસિદ્ધ અવતરણ છે,  “ભારતનો આત્મા ગામડાઓમાં વસે છે”.

મહિન્દ્રા ટ્રેક્ટર્સે સોમવારે સવારે ગાંધીનગરના સરઢવ ગામમાં “હર એક કિસાન, દેશ કા અભિમાન”  (દરેક ખેડૂત દેશનું ગૌરવ છે) કાર્યક્રમનું આયોજન કર્યું હતું. 75માં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં રાજ્યભરમાંથી 1000 કરતાં વધુ ખેડૂતોએ ભાગ લીધો હતો.

અહીં 1,000 રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરીને ગુજરાતનો નકશો બનાવવામાં આવ્યો હતો. ખેડૂતો દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કૃષિ ક્ષેત્રના મહાનુભાવો, મહિન્દ્રા ટ્રેક્ટર્સના સિનિયર અધિકારીઓ, રાજ્ય માટે મહિન્દ્રા ટ્રેક્ટર્સના તમામ ચેનલ ભાગીદારો, અતિથિઓ અને ગાયક અરવિંદ વેગડા તથા અન્ય લોકોની હાજરીમાં રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું.

મહિન્દ્રા ટ્રેક્ટર્સના ઝોનલ હેડ જુઝાર સિંહ વિર્કે જણાવ્યું હતું કે,  “સૈનિકોની સાથે ખેડૂતો પણ દેશના અસલી હીરો છે. મહિન્દ્રા ગ્રૂપ હંમેશા ખેડૂતોની પડખે ઊભું રહ્યું છે, અને આ જ કારણ છે કે અમે ગ્રામીણ વિસ્તારમાં 75મો સ્વતંત્રતા દિવસ અન્નદાતાઓ સાથે ઉજવી રહ્યા છીએ. આપણા બધા માટે ખોરાક બનાવવા માટે ખેડૂતો તેમના ખેતરોમાં દિવસ-રાત મહેનત કરે છે. તેમના હાથે ધ્વજવંદન અને તેમનું સન્માન એ ખેડૂતો પ્રત્યેની અમારી ઊંડી કૃતજ્ઞતા અને આદર વ્યક્ત કરવા માટેનો વિનમ્ર પ્રયાસ, ભાવ છે.”

મહિન્દ્રા ટ્રેક્ટર્સના ગુજરાત, સ્ટેટ હેડ રવિ સોની એ કહ્યું હતું કે,  “ખેડૂતોની હાજરીમાં 75માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીને અમે ગૌરવાન્તિત છીએ. ‘હર ઘર તિરંગા’ અને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’  અભિયાનમાં ભાગ લેવાનો પણ અમને ગર્વ છે.”

સ્વતંત્રતા પર્વની આ ઉજવણીમાં ભાગ લેનાર ખેડૂતોને મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા આ વિશિષ્ટ અને સીમાચિહ્નરૂપ પ્રસંગની યાદમાં પ્રમાણપત્રો અને ચાંદીના સિક્કા આપવામાં આવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 થી 15 ઓગસ્ટ દરમિયાન દરેક જગ્યાએ ભારતીયોને તેમના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રેરિત કરવા તાજેતરમાં ‘હર ઘર તિરંગા’  પહેલની જાહેરાત કરી હતી. આ પહેલનો ઉદ્દેશ લોકોના હૃદયમાં દેશભક્તિની ભાવના પ્રજ્વલિત કરવાનો અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે જાગૃતિને પ્રોત્સાહન આપવાનો છે.

આ પહેલ એ આઝાદીના 75 વર્ષ અને રાષ્ટ્રના ગૌરવવંતા ઈતિહાસની ઉજવણી અને સ્મરણ માટેના વિશાળ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’  અભિયાનનો એક ભાગ છે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની યાત્રા 12 માર્ચ, 2021ના રોજ શરૂ થઈ હતી અને ત્યારથી  75માં સ્વતંત્રતા દિવસ માટે 75-સપ્તાહની ગણતરી શરૂ થઈ હતી. આ ઉજવણી આવતા વર્ષે સ્વતંત્રતા દિવસે સમાપ્ત થશે.

Share This Article