આજે પગારનો દિવસ હતો. મને ખબર હતી જ કે તમે મારા માટે કશું ક ખરીદતા જ આવશો. ને સાચે જ તમે આવીને બેગમાંથી એક સાડી કાઢીને મને ધરતાં કહ્યું, ” જો તો, આ તને ગમશે ને ?? ”
મેં હસીને સાડી મારા હાથમાં લીધી. મને ગુલાબી રંગની સાડી ખૂબ ગમે છે . તમે આછા મહેંદી કલરની લાવ્યા, ભલે લાવ્યા. હું એની ફરિયાદ નહિ કરું.. તમે પ્રેમથી મારા માટે કોઇ વસ્તુ લાવો ને હું એને જોઇને હરખાવાને બદલે મોં બગાડું તો તમારા દિલને કેટલું દુ:ખ થાય ?? બીજું એ કે તમારા માટે પેન્ટ શર્ટ હંમેશા તમે મારી પસંદગીનાં જ ખરીદવાનો આગ્રહ રાખો છો પછી તમારી લાવેલી આછા મહેંદી કલરની સાડી હું શા માટે ના ગમાડું ??
હું પરણીને આવી ત્યારથી જ એક સંકલ્પ કરીને જ આવી હતી કે તમારી ઇચ્છાને મારી ગણીશ, તમારા હ્રદયને જરા ય દુ:ખ નહિ પડવા દઉં. મેં મારો આ વિચાર લગ્ન પહેલાં મારી સખિઓને કહેલો ત્યારે તો એ ખૂબ હસેલી ને મને કહેતી હતી,
— ” જો જે તારા પતિદેવની બધી ઇચ્છાઓ સંતોષવામાં ક્યાંક તું એમની ગુલામ ન બની જાય.!! ”
— ” ને જો, સાસરે જઇને તો પહેલાં તો પતિને જ પોતાનો કરી લેવાનો, થોડી ઘણી ધાક જમાવી દેવાની અને લટુડાં પટુડાં પણ જરૂર પડે તો કરી જ લેવાનાં.. નહિતર પછી આખી જિંદગી પસ્તાવાનો વારો આવશે..”
— ” તારી વાત શરૂઆત માટે સારી છે પણ પછી કાયમ અવું ના કરતી હોં .. આ તો તું અમારી બેનપણી એટલે અમારે તો સાચી સલાહ આપવી પડે, પછી આગળ તો ભઇ તારી મરજી..”
સખિઓની આવી બધી વાતો સાંભળીને ઘડીક તો મારું મન વિચલિત થઇ ગયેલું પણ મેં સાસરે આવીને તમને ધારી ધારીને જોયા, તમારો સ્વભાવ જોયો પછી થયું, તમારામાં ને બીજા પુરુષોમાં ઘણો ફરક છે. બસ પછી તો મેં મારી યોજનાનો અમલ શરૂ કર્યો…..ને જૂઓ તો ખરા .. કુદરતે રીતે તમે પણ મારા જેવી જ ઇચ્છાઓ વાળા નીકળ્યા , તમે મારી લાગણીનું પૂરેપૂરું ધ્યાન રાખતા હતા. મારા પગની ઝાંઝરી એક વખત તૂટી ગયેલી તો થોડા દિવસ મારા ઉઘાડા પગ જોઇને મને ખબરે ય ન પડી એ રીતે તમે સોનીની દુકાનેથી મારા માટે નવી ઝાંઝરી લઇ આવેલા…… હું બે એક જોડ જ બંગડી લાવું છું પણ તમે સાથે હોવ ત્યારે આગ્રહ કરી કરી આઠ દસ જોડ બંગડી લેવડાવો જ છો. શિયાળાની રાત્રે મારા પરથી ધાબળો ખસી ગયો હોય ત્યારે તમે મને ખબર ન પડે એ રીતે તમે ઓઢાડ્યો છે એ મેં જાગ્યા પછે જોયું છે અને અનુભવેલું છે. તમે મારી આટલી કાળજી રાખતા હોવ તો પછી હું શા માટે તમારી કાળજી ના રાખું ??? એ તો આપણી પરસ્પર ફરજ છે. તમે પીળી સાડી લાવો કે આછા મહેંદી કલરની, તમે તમને ગમતી ચંપલની જોડ મારા માટે લાવશો તો ય એ અચૂક મને ગમશે..જ, તમે જે રસોઇ કહેશો તેજ હું બનાવું છું ને બનાવતી જ રહીશ, તમે કહેશો એ બધાં જ કામ હું કરીશ.. તમને નહિ ગમતી હોય એવી ચર્ચા પણ હવેથી હું ક્યારે ય નહિ કરું.. તમે એટલે જ હું ને હું એટલે જ તમે.. સાચે જ હવેથી હું તમને ક્યારે ય કશી ફરિયાદ નહિ કરું જાવ..
- અનંત પટેલ