રાગ બસંત
અમુક રાગના તો નામ માત્ર એવા છે કે શબ્દોચ્ચારણ માત્રથી જ આહા લાગણીઓ જન્મે છે.
વસંત ઋતુમાં જ કઇંક એવું તત્વ ઇશ્વર દ્વાર રોપવામાં આવ્યું છે કે મન/મસ્તિષ્ક ને આહલાદક શીતળતા જ પ્રાપ્ત થાય છે. વસંતનો ઉલ્લેખ થયો હોય અને કવિ કાલિદાસને યાદ ન કરીએ એવું શક્ય નથી. મિત્રો, કાલિદાસની સાત કૃતિઓમાં વસંતનું પોતાનું આગવું સ્થાન છે. જે કૃત્તિઓને વર્ગીકૃત કરતા જ આપણને મહદઅંશે સમજી શકાય છે. કાલિદાસની કૃતિઓમાં…
(નાટકો)
માલવિકાગ્નિમિત્રમ
વિક્રમોરવર્ષીયમ
અભિજ્ઞાનશાંકુતલમ
(મહાકાવ્ય)
રઘુવંશ
કુમારસંભવમ
(ખંડકાવ્ય)
મેઘદૂતમ
ઋતુસંહાર
મિત્રો, વસંત રાગની માહિતી સાથે ઉપરોક્ત સંલગ્ન કૃતિઓને અહીં નામજોગ લખવી જરૂરી છે.
કાલિદાસ વિરચિત ઋતુસંહારના વસંતવર્ણન સર્ગ-૬માં બે વર્ણન મને સ્મૃતિમાં આવ્યા.
લાગ્યો ન હોય દવ તેમ જલી ઊઠેલાં,
પુષ્પો થકી વિનત છે સઘળે પલાશ
આવી વસંતઋતુ તો ય ધરા વિભાસે
જાણે ધર્યા વસન લાલ નવી વધૂએ.
(શ્લોક-૧૯)
કંપાવતો કુસુમથી ભરી આમ્રશાખા
ટહોકા ય કોકિલ તણા ભરતા દિશાઓ
ને જયાં હરે હૃદય સૌ નરનાં સમીરો
આવ્યો વસંત ફૂટડો હિમ ગાળતો હ્યાં.
(શ્લોક-૨૨)
મિત્રો, આ છે વસંત…..
સ્ત્રી અને પુરુષ વચ્ચેના સંયોગને અદ્ભૂત આત્મિક/દૈહિક ઊંચાઈના સ્તરે પહોંચાડવા સમર્થ ઋતુ એટલે વસંત. ખીલતી ઉષાને નજર સમક્ષ રાખી, આપણી ભીતરે જન્મ લેતી વિસ્મય ભરેલી મીઠી લાગણીઓ જ્યારે આપણા સમગ્ર અસ્તિત્વ પર પથરાયેલી અનુભવાય અને રોમેરોમ વાદળમાંથી વરસતી ભીની ઝાંકળ આપણા હૃદય સાથે મન/મસ્તિષ્કને તરબતર કરી નાખે છે, એ અલૌકિક પરમતત્વ એટલે વસંત.
પ્રેમીઓને અને કવિ જીવોને વસંત પ્રત્યે કઇંક અલગ ખેંચાણ રહ્યું છે. જાણે કુદરત પોતાના જ પરબીડીયામાં પત્ર સ્વરૂપે માત્ર વસંત જ નહીં પણ એક આખો લાગણી/સંવેદનાઓનો ગુલમ્હોર તૈયાર કરી મોકલતો હોય એવું કઇંક અનુભવાય છે.
ત્યારબાદ જે શાબ્દિક રજૂઆત થાય એમાં, મીરાની ઝાંઝરી પણ સંભળાય, કૃષ્ણની વાંસળી પણ ઝીલાય, તેમજ જેમ શબરીની ભવની ભૂખ હતી એ ભાવ પણ અનુભવાય અને સાથે સાથે રાધાની ઘેલછા અને ગોપીઓની વ્યાકુળતા પ્રગટ થાય ત્યારે કલમ સોળે કળા એ ખીલે છે.
કઠોપનિષદમાં બે સુંદર શબ્દોનું સંયોજન કરવામાં આવ્યું છે.
શ્રેયસ અને પ્રેયસ
શ્રેયસનો અર્થ કલ્યાણકારી થાય છે અને પ્રેયસ નો અર્થ પ્રિય/વ્હાલું થાય છે. આપણા અમુક શાસ્ત્રોના સ્થૂળ બ્રહ્મચર્યના નિયમો એ બન્ને શબ્દનો ભાવાર્થ જ કઇંક અલગ કરી નાખ્યો.
વસંતઋતુ એ પ્રેયસઋતુ કહેવાય. તો મિત્રો અહીં એ સમજવું ઘટે કે પ્રેયસ મતલબ પ્રિય હોય એ. તો મિત્રો વિચારો કે પ્રેયસ ક્યારેય અશ્રેયસ મતલબ અકલ્યાણકારી હોય શકે? બહુ સાદી ભાષામાં સમજવા જેવી વાત છે મિત્રો.
ચાલો મિત્રો મૂળ મુદ્દા પર આવીએ. રાગ વસંત કઇંક આવી સંવેદનશીલ બાબતોને ફોક્સડ કરતો રાગ. રાગ વસંતની ઉત્પત્તિ પૂર્વી થાટની માનવામાં આવે છે. આ રાગ એ ઉત્તરાંગ પ્રધાન છે. તેથી તાર સપ્તકમાં વિશેષ પણે ગવાય છે.
ફિલ્મ બસંત બહારનું અવિસ્મરણીય ગીત જે ગાયક ભીમસેન જોશી અને મન્નાડે દ્વારા સ્વરાંકન પામ્યું છે અને શંકર જયકીશનની રચના છે. કેતકી ગુલાબ જુહી ચંપક વન રાગ વસંતની કૃતિ છે. રાગ વસંત બેઇઝડ થોડી રચના અહીં મુકું છું…
૧) ફિલ્મ દેવદાસ નું ગીત કાહે છેડ છેડ મોહે
૨) ફિલ્મ સ્ત્રી નું ગીત બસંત હે આયા રંગીલા
૩) મન કઈ બિન મતવારી બાજે
મિત્રો, આમ તો બસંત રાગ સાથે રાગ બહાર નો ઉલ્લેખ પણ અહીં કરી જ દઉં છું. જેથી થોડા સંલગ્ન ગીતો અહીં મૂકી શકાય. બન્ને રાગમાં ઘણા અંશે સામ્યતા જોવા મળે છે. કારણકે, રાગ બહાર માં પણ મુલતઃ વસંતઋતુ અને ફાગણ માસ નું વર્ણન જોવા મળે છે..થોડાક ગીતો નો ઉલ્લેખ કરું છું.
૧) ફિલ્મ છાયા નું ગીત છમ છમ નાચત આયી બહાર
૨) ફિલ્મ ડો વિદ્યા નું ગીત પવન દિવાની
૩) ફિલ્મ મમતા નું ગીત સકલ બન ગગન પવન ચલત પુરવાઈ
મિત્રો, રાગ બસંત સાથે સામ્યતા ધરાવતો એક રાગ રાગ બસંતમુખારી છે. પ્રભાતે ગાવામાં આ રાગ પ્રમાણમાં ઓછો પ્રચલિત છે. તેમ છતાંય આ રાગ બેઇઝડ ગીતો અદ્ભૂત જ છે.
ફિલ્મ જીસ દેશ મેં ગંગા બહેતી હે નું ગીત ઓ બસંતી પવન પાગલ તથા ફિલ્મ હાથ કઈ સફાઈ નું અત્યંત હ્રદયસ્થ ગીત વાદા કરલે સાજના તેરે બિન મેં ના રહું ઉપરોક્ત રાગ બેઇઝડ છે.
તો ચાલો મિત્રો આવા મસ્ત મજાના સંઘેડાઉતાર રાગો માંથી એકાદ ગીત સાંભળીએ….
આર્ટીકલ:-મૌલિક જોશી
જૂનાગઢ.
फिल्मः हाथ की सफाई (1974)
गायक/गायिकाः मोहम्मद रफ़ी, लता मंगेशकर
संगीतकारः कल्याणजी-आनंदजी
गीतकारः गुलशन बावरा
कलाकारः विनोद खन्ना, रणधीर कपूर, हेमा मालिनी
वादा करे ले साजना
तेरे बिना मैं न रहूँ
मेरे बिना तू न रहे
हो के जुदा …
ये वादा रहा, न होंगे जुदा
ये वादा रहा) -2
मैं धड़कन तू दिल है पिया
मैं बाती तू मेरा दिया
हम प्यार की ज्योत जलाएं -2
मैं राही मेरी मंज़िल है तू
मैं हूँ लहर और साहिल है तू
जीवन भर साथ निभाएं -2
वादा कर ले जान-ए-जां
तेरे बिना मैं न …
जब से मुझे तेरा प्यार मिला
अपनी तो है बस यही दुआ
हर जनम यूँ मिलते रहेंगे -2
सुंदर सा हो अपन जहाँ
प्यार अपना रहे सदा जवां
हम सुख-दुख मिल के सहेंगे -2
वादा करे ले साजना…
મિત્રો ખબરપત્રીના રાગ આધારિત આર્ટિકલ સૂર પત્રીને ખૂબ જ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. વાંચકો સૂર પત્રીના લેખ રાગ પહાડી વિશે પોતાના પ્રતિભાવ કોમેન્ટ રૂપે આપી રહ્યાં છે, તો સૂર પત્રીના રાગ બસંત આધારિત લેખ વિશે આપના પ્રતિભાવ જરૂર જણાવશો.
આભાર.