પરીક્ષાના સમય દરમ્યાન વાલીઓને પોતાની જવાબદારી શિસ્તબદ્ધ રીતે બજાવતા જોયા હશે. પરીક્ષાના દિવસે મંદિરે માનતા રાખવી, એલાર્મ જાતે સેટ કરવું, વાંચવા માટે સમયસર ઉઠાડવા, દહીંથી મ્હો મીઠું કરાવવું, રીસીપ્ટ અને અન્ય સ્ટેશનરી લીધી કે કેમ એની પુરછા કરવી, કઈ સ્કુલમાં નંબર આવ્યો છે, બેઠક વ્યવસ્થા જોવા જવું, બાકીના મિત્રોનો કઈ કઈ સ્કુલમાં નંબર આવ્યો? સ્કુલે લેવા અને મુકવા જવા માટેનો સમય ફાળવી દેવો, પેપર પુરુંનાં થાય ત્યાં સુધી સ્કુલ ની બહાર રાહ જોવી, પરીક્ષા આપીને આવતા સંતાન માટે લીંબુ શરબત તૈયાર રાખવું, પરીક્ષા હોલ માંથી બહાર આવતા જ પૂછી લેવું “કેવું ગયું પેપર ?”, “ કેટલા માર્ક ધાર્યા “ વગેરે વગેરે …..
ક્યાંક લાગે છે કે પરીક્ષા છોકરાઓ કરતા મમ્મી પપ્પાની થતી હોય છે, એવા લોકોને મળીએ છીએ ત્યારે થાય છે કે પરીક્ષા માટે બાળકોની સાથે સાથે એક બે ક્લાસ મમ્મી પપ્પાના પણ લેવાવા જોઈએ, તેમને સમજાવું જોઈએ કે તમારા સંતાનોને કેટલા વિષય આવે છે દરેક વિષયમાં કેટલા ચેપ્ટર આવે છે, આ ચેપ્ટરનો ગુણભાર શું હોય છે, આ ચેપ્ટર શા માટે ભણાવવામાં આવે છે, એક લેક્ચરમાં ચેપ્ટરના કયા મુદા અંગેની ચર્ચા થઇ છે…
તો એક સંતાનની સાથે સાથે એક માતા પિતા પણ એજયુકેટ થશે, કારણકે તે જ્યાં સૌથી વધુ સમય વિતાવે છે એની તદ્દન નજીક વિધાર્થીનાં માતા પિતા હોય છે,, ખાલી સ્કુલના પુસ્તકો અને ટ્યુશનની ફી ભરી દેવાથી અને પરીક્ષા સમયે સ્કુલ સુધી છોડી દેવાથી માતા પિતા તરીકેની જવાબદારી પૂરી નથી થતી…
માતા પિતાના સપનાઓને બાળકના કુંડામાં ઉછેરતા પહેલા કાળજીપૂર્વક નું ખેડાણ કરવું પણ એટલું જ આવશ્યક છે, વર્ષની શરૂઆતથી જ આ બધું ધ્યાનમાં લીધું હશે તો પરીક્ષાના દિવસે ૪૦ ડીગ્રી તાપમાનમાં સ્કુલની બહાર તમારે એના પરિણામની ચિંતા કરવા ઉભા નહિ રહેવું પડે…
છેલ્લે……..આજની ગરમીના પારાને વધતો જોઇને એમ લાગે છે કે સુરજને પણ ઘરેથી નીકળતા પહેલા ઉંચી ટકાવારી નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, બસ એ પણ બિચારો મા-બાપની મહત્વકાંક્ષા માટે જ ધખતો હશે….
– નિરવ શાહ