સમાજશાસ્ત્રે કર્યું છે મગજ નું દહીં, ગણિત આકાશ માં તરવા લાગ્યું.
ગુજરાતી માં હું ડૂબવા લાગ્યો, અંગ્રેજી નો ચસકો લાગ્યો.
વિજ્ઞાન ને તો શોધવા લાગ્યો, હિન્દી એ પકડ્યો હાથ.
આવી હવે પરીક્ષા માથે, ઊંધું નાખીને વાંચવા લાગ્યો.
પાર કરજે બેડો મારો, થઈ ગયો હું પરીક્ષા ઘેલો !!
આવું કઈક વિધાર્થી મિત્રો અનુભવી રહ્યા હશે. સામાન્ય રીતે બોર્ડ ની પરીક્ષા હોય ત્યારે એક અજીબ પ્રકાર નો ડર વિધાર્થી મિત્રો માં જોવા મળે છે. લોકો ના મોઢે તેમાં પણ ખાસ કરીને વાલીઓ ના મોઢે સાંભળવા મળે છે કે મારા દીકરા ને બોર્ડ ની પરીક્ષા છે, મારો દીકરો બોર્ડ માં છે. એક એવું વાતાવરણ વિધાર્થી ના મગજમાં બેસાડી દેવામાં આવે છે જે તેના વિકાસ માં ભારરૂપ થવા લાગે છે.
વિધાર્થી મિત્રો બોર્ડ ની પરીક્ષા શરૂ થઈ ચુકી. અને તમારા હ્રદય ના ધબકારા વધી ગયા હશે. ધીમે-ધીમે દિવસો નું સ્થાન કલાકોએ લીધું હશે, કલાકો નું મિનિટે અને મિનિટ નું સેકંડે લઈ લીધું હશે. તમારી સાથે તમારા વાલી ની પણ આ જ સ્થિતિ હશે. રાતે ઉજાગરા કરતાં હશો અને સવારે વહેલા ઉઠી વાંચવા લાગી જતાં હશો. અને પહેલું પેપર ગુજરાતી નું હોય તો પાઠ, કવિતા, નિબંધ, લેખ, પત્રલેખન, વ્યાકરણ, તેમાં પણ છંદ, અલંકાર, સમાસ, રૂઢિપ્રયોગ. મહાવરા, સંક્ષિપ્તિ કરણ, વિરોધી શબ્દ, સંધિ, વગેરે નું ચક્ર જાણે ચારે બાજુ ફરવા લાગ્યું હશે, છંદ આવડે ત્યાં અલંકાર ભુલાઈ જાય, મહાવરા આવડે ત્યાં સમાસ ભુલાઈ જાય.
વિધાર્થી મિત્રો હું તમને એ કહેવા માંગુ છું કે કોઈપણ પરીક્ષા હોય ત્યારે મન હંમેશા પ્રસન્ન રાખો. પરીક્ષા ખંડમાં જતાં એક કલાક પહેલા વાંચવાનું બંધ કરી દો, શાંત મન રાખી ખંડ માં બેસો, પેપર હાથમાં આવે ત્યારે આખા પેપર પર નજર કરી લો, તમને પહેલા ક્યો પ્રશ્ન સહેલો લાગે છે તે લખો. જે લખવા માં વાર લાગે એમ હોય, વિચારવું પડે તેમ હોય તે છેલ્લે લખો. સમય પૂરો થાય તેની 10 મિનિટ પહેલા જવાબપેપર વાંચી લો. હવે જે પેપર ચાલ્યું ગયું છે તેનો વિચાર કર્યા વિના બીજા પેપર ની તૈયારી કરવા લાગો. પરીક્ષા નું હંમેશા હસતાં-હસતાં સ્વાગત કરો. હવે એટલું જ કહીશ..
ડરના નહિ હૈ અબ હમકો, તુફાનો સે લડના હૈ હમકો,
આઓ એક નયે આસમા કી તલાશ કરે, અબ ઈંતિહા સે જીતના હે હમકો.
Guest Author
માધવી આશરા