ગાંધીનગરમાં ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘ઉદગમ સુર પ્રભાત’માં સવારના રાગોની મનમોહક પ્રસ્તુતિ

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

ગાંધીનગર :ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ સમાજહિતલક્ષી પ્રવૃત્તિઓની સાથે સાથે સાંસ્કૃતિક અને કલાત્મક કાર્યક્રમો દ્વારા ભારતીય સંસ્કૃતિના સંવર્ધન માટે સતત કાર્યરત છે. ભારતીય શાસ્ત્રીય સંગીતના પ્રચાર અને સંરક્ષણ માટે ટ્રસ્ટ દ્વારા નિયમિત રીતે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ગાંધીનગરના યુવા શાસ્ત્રીય સંગીતકારોને મંચ પૂરો પાડવાના ઉદ્દેશથી ઉદગમ ટ્રસ્ટ દ્વારા ‘ઉદગમ સુર પ્રભાત’ શ્રેણીની શરૂઆત કરવામાં આવી છે.

ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘ઉદગમ સુર પ્રભાત – ધ મોર્નિંગ રાગ કોન્સર્ટ’ પ્રભાત સંગીત કાર્યક્રમ રવિવાર, તારીખ 11 જાન્યુઆરી 2026ના રોજ પંચેશ્વર મહાદેવ મંદિર સામે, રાયસન મેટ્રો સ્ટેશન નજીક, રાયસન, ગાંધીનગર ખાતે યોજાયો હતો. સવારે 7:00 થી 9:00 વાગ્યા દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં ગાંધીનગરના યુવા પ્રતિભાશાળી ગાયક શ્રી કંદર્પ શુક્લાએ પોતાના સુમધુર સ્વરે સવારના રાગોની મનોહર પ્રસ્તુતિ કરી. તેમણે પ્રારંભમાં રાગ આહિર ભૈરવથી ‘મેરી અરજ સુન લીજે દિન દયાલ’ રજૂ કરી. ત્યારબાદ ‘અલબેલા સજન આયો રે’, રાગ વૃંદાવની સારંગની પરંપરાગત બંદિશ ‘બન બન ઢુંઢન જાઊં’, મરાઠી અભંગ ‘હરિ મહણા તુંમી’, પ્રભાતિયા રાગ માંડ પર ‘જાગને જાદવા’, ‘ઓઢાજી મારા વાલા ને’, રાગ ભોપાલી પર ‘ઓમ નમઃ શિવાય’, તેમજ માંડ મિશ્રિત ખમાજમાં ‘રામસભામાં અમે રમવાને ગયા’ અને ‘જાગોને અલબેલા કાના’ રજૂ કરી શ્રોતાઓને ભાવવિભોર કર્યા.

વિરામ દરમિયાન સચિન મોદીએ વાંસળી પર ‘મારા ઘટમાં બિરાજતા’ તથા કૃષ્ણ સીરીયલનું ટાઈટલ મ્યુઝિક વગાડી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા. ત્યારબાદ રાગ જોગમાં હનુમાનજીની શાસ્ત્રીય સ્તુતિ ‘હનુમાનલલા, મેરે પ્યારે લલા’, પ્રેક્ષકોની પસંદ મુજબ રાગ કેદારમાં ‘દર્શન દો ઘનશ્યામ’ અને અંતે ક્લાસિકલ રામધૂન ‘શ્રી રામ જય રામ જય જય રામ’ની પ્રસ્તુતિથી કાર્યક્રમનું ભાવસભર સમાપન થયું.

કંદર્પ શુક્લાની સાથે મોહિત વિશ્વકર્મા (હાર્મોનિયમ), સાહિલ ચૌહાણ (તબલા), સત્યમ કાનાબાર (મંજીરા) અને સચિન મોદી (વાંસળી)એ સંગત કરી. પ્રભાતના શાંત અને પવિત્ર વાતાવરણમાં રજૂ થયેલા સંગીતથી ઉપસ્થિત શ્રોતાઓએ આત્મિક શાંતિ અને સકારાત્મક ઊર્જાનો અનુભવ કર્યો.

કાર્યક્રમના અંતે ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડો. મયુર જોષીએ તમામ કલાકારો તથા ઉપસ્થિત શ્રોતાઓનો આભાર વ્યક્ત કર્યો. કાર્યક્રમનું મંચ સંચાલન પારૂલબેન મહેતાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા દીપાંશ છાબડા, વાગ્મી જોષી, કિરાત જોષી અને કૃણાલ વાઘેલાએ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. આ અવસરે ચાણક્ય જોષી, દીક્ષિતા જોષી, અનિતા ચાવડા, શરદ વ્યાસ, ડો. રાજેન્દ્ર જોષી, પન્નાબેન જોષી સહિત અનેક સંગીતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article