અમદાવાદ : ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇÂન્ડયા(આઈસીએઆઈ)ની ડબલ્યુઆઈઆરસીની અમદાવાદ બ્રાન્ચનાં વર્ષ ૨૦૧૯- ૨૦૨૦ માટે નવા હોદ્દેદારો ચૂંટણી માટે આજે મેનેજીંગ કમીટીની ચૂંટણી યોજાઇ હતી. જેમાં અમદાવાદ બ્રાંચના ચેરમેન તરીકે સીએ ગણેશ નાદાર અને વાઇસ ચેરમેન તરીકે સીએ ફેનિલ શાહ ચૂંટાઇ આવ્યા હતા. તો, સેક્રેટરી તરીકે સીએ હરિત ધારીવાલ અને ખજાનચી તરીકે સીએ અંજલિ ચોક્સી ચૂંટાઇ આવ્યા હતા. ચેરમેન તરીકેનો નવો હોદ્દો સંભાળ્યા બાદ ચેરમેન સીએ ગણેશ નાદારે વર્ષ દરમ્યાન કેટલાક મહત્વના કાર્યક્રમો યોજવાની જાહેરાત કરી હતી.
જેમાં યુવા સીએ સ્ટુડન્ટ્સ માટે રોજગારીની તકો ઉપલબ્ધ બનાવવા ડબલ્યુઆઇઆરસીની અમદાવાદ બ્રાંચનું પ્લેટફોર્મ પુરું પાડવા, દેશના કોઇપણ ખૂણાના સીએને સ્થાનિક કક્ષાએ એકબીજા સાથે જાડવા નેટવર્કીંંગ સમીટ, સીએ સહિતના અન્ય ક્ષેત્રોમાં પણ ચાર્ટર્ડ એકાઉન્ટ્સની નિપુણતા સાબિત કરવાના સેમીનાર, નોલેજ શેરીંગ સહિતના અનેક કાર્યક્રમો વર્ષ દરમ્યાન યોજવામાં આવશે અને સીએ ફેકલ્ટી અને સ્ટુડન્ટસ માટે રચનાત્મક કામગીરી કરવામાં આવશે.
આઇસીએઆઇની ડબલ્યુઆઇઆરસીની અમદાવાદ બ્રાંચના ચેરમેન ગણેશ નાદાર અને વાઇસ ચેરમેન ફેનિલ શાહે વધુમાં જણાવ્યું હતું કે, સને ૧૯૬૨માં સ્થપાયેલી અમદાવાદ બ્રાન્ચ ભારતમાં આઈસીએઆઈની બીજા નંબરની સૌથી મોટી બ્રાન્ચ છે, જેમાં ૧૦,૫૦૦થી વધુ મેમ્બર્સ અને ૩૫,૦૦૦થી વધુ સ્ટુડન્ટસ છે. આગામી વર્ષ દરમિયાન નવા પ્રેક્ટીસ એરિયાઝ, તકો, બ્રાન્ડ બિલ્ડીંગ, નેટર્વકિંગ અને નોલેજ શેરીંગ જેવા ક્ષેત્રોમાં પ્રોગ્રામનાં આયોજનમાં ધ્યાન કેન્દ્રિત કરશે. ઉપરાંત, યુવા મેમ્બર્સ પરત્વે વિશેષ ધ્યાન આપવામાં આવશે, કે જેઓ નવા ઉભરતા પ્રેક્ટીસ એરિયાઝમાં લક્ષ આપી શકે. બ્રાન્ચ દ્વારા વિવિધ રેગ્યુલેટર્સ અને સત્તાધીશો સાથે વધારે વિચાર વિમર્શ હાથ ધરવામાં આવશે, કે જેમાં આઈસીએઆઈનાં રાષ્ટ્રનિર્માણ માટેના હેતુ અને પ્રતિબધ્ધતા વ્યક્ત થઈ શકે. તેમણે ખાતરી આપી હતી કે તેઓ આ વ્યવ્સાયને નવી ઊંચાઈઓ તરફ લઈ જવા કાર્યરત રહેશે. સીએ ગણેશ નાદાર અને તમામ મેનેજિંગ કમિટી મેમ્બર્સ અમદાવાદ બ્રાન્ચને વધુ યાદગાર વર્ષ બનાવવા પ્રયત્નશીલ રહેશે. ચેરમેન સીએ ગણેશ નાદારે આ પ્રસંગે તમામ મેમ્બર્સ અને મેનેજિંગ કમિટીનાં સાથીઓ પ્રત્યે અમદાવાદ બ્રાન્ચનાં ચેરમેન તરીકે મુકેલા વિશ્વાસ બદલ કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી અને સૌકોઇનો આભાર માન્યો હતો.