કર્મીઓના પગારમાં ૯-૧૨ ટકાનો એકંદરે વધારો રહેશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવીદિલ્હી : આ નાણાંકીય વર્ષમાં કર્મચારીઓના પગારમાં ૯થી ૧૨ ટકા સુધીનો સરેરાશ વધારો થઇ શકે છે જ્યારે વધારે કુશળ લોકોને આ વર્ષે ૧૫ ટકા સુધીનો પગાર વધારો મળી શકે છે. મળેલી માહિતી મુજબ ભરતીની પ્રક્રિયામાં સુધારો થઇ રહ્યો છે. આ ઉપરાંત વધતી સ્પર્ધા વચ્ચે સારો દેખાવ કરી રહેલા કર્મચારીઓને જાળવી રાખવા માટે તમામ સંસ્થાઓ ઉપર દબાણની સ્થિતિ પણ છે. એચઆર નિષ્ણાતો દ્વારા આ મુજબની વાત કરવામાં આવી છે. હાઈ અને એવરેજ પરફોર્મરો વચ્ચે ખુબ ઓછા અંતરની સ્થિતિ હવે વધી રહી છે. સ્થિર પગાર, પગાર વધારા અને કેરિયરની તકો તમામ વચ્ચે એક સમાન જોવા મળી રહી છે. એફએમસીજી, રિટેલ, મિડિયા, એડવર્ટાઇઝિંગ જેવી કન્ઝ્યુમર આધારિત ક્ષેત્રો સાથે જોડાયેલી કંપનીઓમાં સારો પગાર વધારો દેખાઈ રહ્યો છે. અહેવાલમાં જણાવામાં આવ્યું છે કે, વર્તમાન વર્ષમાં ૯થી ૧૨ ટકા સુધીનો સરેરાશ વધારો રહી શકે છે.

જે અગાઉના વર્ષની સરખામણીમાં આંશિક વધારો છે. ગયા વર્ષે મધ્ય જુનિયર સ્તર પર પગાર વધારો વધારે હતો જ્યારે સિનિયર સ્તર પર વધારો ઓછો રહ્યો હતો. એક્ઝિક્યુટીવ સર્ચ કંપની ગ્લોબલ હન્ટના એમડી સુનિલ ગોયેલે કહ્યું છે કે, ગયા વર્ષની સરખામણીમાં સ્થિતિ આ વખતે ખુબ સારી છે. અંતલ ઇન્ટરનેશનલ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટરે માહિતી આપતા કહ્યું છે કે, ૨૦૧૬-૧૭માં જે સ્થિતિ હતી તેની સરખામણીમાં હવે સ્થિતિ સુધરી છે. નોટબંધીના કારણે અગાઉ અસર થઇ હતી. હવે જીએસટી અમલી કરવામાં આવ્યા બાદ તેની અસર પણ ઓછી થઇ રહી છે. આવી પરિબળો વચ્ચે કર્મચારીઓને સારા પગાર વધારાની અપેક્ષા રાખવામાં કંઇ ખોટી દેખાઈ રહ્યું નથી. તેમણે કહ્યું છે કે, ભારતીય અર્થતંત્ર અને જોબ માર્કેટમાં તેજી આવી ગઈ છે.

નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ વધારે હકારાત્મકરીતે તમામ ક્ષેત્રમાં રહી શકે છે. તેમણે એમ પણ કહ્યું છે કે, કંપનીઓ ટોપ ટેલેન્ટને જાળવી રાખવા માટે કટિબદ્ધ છે. ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં નવી ભરતી પણ થઇ રહી છે. એચઆર કન્સલ્ટન્સી કંપની દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, ટોપ ટેલેન્ટને જાળવી રાખવા તેમના પરફોર્મન્સ મેનેજમેન્ટ સિસ્ટમમાં કંપનીઓ ફેરફાર પણ કરી રહી છે. ૭૫ ટકા કંપનીઓ પગારમાં વિવિધતા રાખે છે જ્યારે ૯૧ ટકા કંપનીઓ ઇન્ક્રીમેન્ટનો ઉપયોગ કરે છે.

Share This Article