અમદાવાદ : આગામી તા.૨૦મી જાન્યુઆરીના રોજ અમદાવાદ જિલ્લાની ૧૩૦ ગ્રામ પંચાયતોના ૧૩૭ વોર્ડ અને આઠ સરપંચોની પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે, જેને લઇ અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સમગ્ર કવાયત હાથ ધરવામાં આવી છે અને તેની તૈયારીઓ પૂરજાશમાં ચાલી રહી છે. અમદાવાદ જિલ્લાની ૧૩૦ ગ્રામ પંચાયતોના ૧૩૭ વોર્ડ અને આઠ સરપંચોની પેટા ચૂંટણી તા.૨૦મી જાન્યુઆરીએ યોજાયા બાદ તેની મતગણતરી તા.૨૨મી જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે. આ વખતની ચૂંટણીમાં ૫૦ ટકા મહિલા અનામતનો અમલ થવાનો હોઇ સ્થાનિક મતદારોમાં અત્યારથી જ નારાજગી પ્રવર્તી રહી છે.
અમદાવાદ જિલ્લામાં ધોલેરાની આંબલી, સરસલાપરા ગામ, દસક્રોઇના બીબીપુર અને મહમદપૂરમાં પાંચ વર્ષ પૂરા થયા હોવાથી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી તથા વિવિધ ૧૩૦ ગ્રામ પંચાયતોના ૧૩૭ વોર્ડ અને સરપંચોની ૮ ખાલી બેઠકો માટે પેટાચૂંટણી યોજાનાર છે. અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ અંગેનું જાહેરનામું આવતીકાલે તા.૩૧-૧૨-૨૦૧૮ના રોજ બહાર પડાય તેવી શકયતા છે. તા.૨૦ જાન્યુઆરીએ યોજાનાર ચૂંટણી પ્રક્રિયા અને મતદાનને લઇ ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી લક્ષી તમામ તૈયારીઓ હાથ ધરાઇ છે. તો સુરક્ષાને લઇને પણ લોખંડી ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવનાર છે.
તા.૨૦મી જાન્યુઆરીએ સવારના ૮-૦૦થી સાંજના ૫-૦૦ વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લામાં અનુસુચિત જાતિ અને અનુસુચિત આદીજાતિ માટેની બેઠકો માટેના ફોર્મ ન ભરાવાના કારણે ખાલી રહી ગયેલી બેઠકો ભરવા માટે આ પેટાચૂંટણી યોજાઈ રહી છે. અનુસુચિત જાતિ અને આદીજાતિની ખાલી રહેલી વોર્ડ સભ્ય અને સરપંચોની બેઠકો ભરવા માટે સરકાર દ્વારા પેટાચૂંટણીનું આયોજન કર્યું છે.
આ ચૂંટણીમાં ૫૦ ટકા મહિલા અનામતના અમલ ઉપરાંત નોટાનો વિકલ્પ આપવાના નિયમનો પણ અમલ કરાશે. રાજ્ય સરકારે બિનખેતી સહિત બદલીઓ, ભરતી અને ગ્રાન્ટ વાપરવાની તમામ સત્તાઓ જિલ્લા કલેક્ટરને સોંપી દઇ જિલ્લા પંચાયત તેમજ સ્થાનિક હોદ્દેદારોની સત્તાઓ પર કાપ મુકી દીધો છે. જેનો વિરોધ થયો હોવાથી ચૂંટણીમાં તેની અસર વર્તાશે. અમદાવાદ જિલ્લામાં ભાજપે સત્તા કબજે કર્યા પછી રોડ, પાણીની મોટર, ડ્રેનેજ લાઇન, સ્ટ્રીટ લાઇન અંગેની ફરિયાદોનો પણ નિકાલ ન થતા લોકોમાં ભારે રોષ છે. તેમજ પાણી અને પાક વીમાની રકમ ન મળવાથી ખેડૂતોમાં ભારે નારાજગી છે. ખેડૂતોની નારાજગી આ ચૂંટણીમાં જોવા મળી શકે છે.