આ વખતની ચૂંટણી ચોકીદાર અને ચોરો વચ્ચે છે : રૂપાણી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રંજનબહેન ભટ્ટના ઉમેદવારીપત્ર ભર્યાં પહેલાં અમદાવાદી પોળ ખાતે યોજાયેલી જાહેર સભા યોજાઇ હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ખાસ હાજર રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, આ વખતે લોકસભાની ચૂંટણી ચોકીદાર અને ચોરો વચ્ચેની તેમ જ હિન્દુસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની છે. જેથી આ વખતની ચૂંટણી વિશેષ ચૂંટણી છે. મુખ્યમંત્રીએ આ વખતની લોકસભા ચૂંટણીમાં ફરી એકવાર મોદી સરકારને જીતાડવા આહ્વાહન કર્યું હતું અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે, આ વખતની ચૂંટણી દેશ કોના હાથમાં સલામત છે, તે નક્કી કરવા માટે મહત્વની ચૂંટણી છે.

આ વખતની ચૂંટણી આંતકવાદને હણનારા અને આંતકવાદને પનાહ આપનારાઓ વચ્ચે છે. આ વખતની ચૂંટણી હિન્દુસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની છે. આ વખતની ચૂંટણી રાષ્ટ્રવાદ અને પરિવારવાદ વચ્ચેની ચૂંટણી છે તો, આ વખતની ચૂંટણી ઇમાનદારી અને બેઇમાનો વચ્ચેની ચૂંટણી છે. ત્યારે પુનઃ એકવાર દેશમાં મોદી સરકાર લાવવા માટે વડોદરા અને ગુજરાતની પ્રજાને અપીલ કરી હતી. વિપક્ષને આડે હાથ લેતા મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, આ વખતે પણ મોદી સરકાર આવવાની છે. પરંતુ, જો ભૂલથી કોંગ્રસ સત્તામાં આવશે તો, પાકિસ્તાનમાં ઉત્સવ મનાવાશે. કોંગ્રેસને આડે હાથ લેતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોંગ્રેસને ૫૦ વર્ષથી ગરીબો યાદ આવ્યા નથી. હવે રાહુલ બાબા દેશના ગરીબોને ઠાલા વચનો આપીને મત મેળવવા નીકળ્યા છે.

જ્યારે મોદી સરકારે વિવિધ યોજનાઓ હેઠળ દેશના ગરીબોનું હિત સાચવવાની શરૂઆત કરી દીધી છે. ભૂતકાળમાં જવાહરલાલ નહેરૂ, ઇન્દીરા ગાંધી, રાજીવ ગાંધીએ ચૂંટણીઓ સમયે જે વચનો આપ્યા હતા. તે વચનો ક્યારેય પૂરા કર્યા નથી. વિપક્ષ પર આકરા પ્રહાર કરતા મુખ્યમંત્રી કહ્યું કે, પુલવામાં થયેલા આતંકવાદી હુમલાનો વડાપ્રધાને તો આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો છે. અને દેશની પ્રજાને આપેલું વચન પૂરું કર્યું છે. જ્યારે તાજમાં હુમલો થયો ત્યારે તે વખતની સરકાર વિચારો કરતી હતી. અને આજે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પુલવામાં થયેલા હુમલાના પુરાવા માંગી રહ્યું છે.

Share This Article