આજે જ્યારે છવ્વીસ વર્ષની ઉંમરે માંહી પોતાની ભત્રીજીનું એસ.એસ.સીનું પરિણામ જુએ છે ત્યારે યાદ આવે છે બરાબર આજ જેવો જ એક દાયકા પહેલાનો દિવસ…
એક એવો દાયકો જેમાં માહિની આખી દુનિયા બદલાઈ ગઈ હતી… વિજ્ઞાનની સફરે ચાલી નીકળેલી માહિના માંહ્યલામાં જિંદગી ભરનું જ્ઞાન ભરાય ગયું હતું અને એના ગુરુ હતા અનુભવ…
ભત્રીજીની ખુશીના અવસર પર લાપસી રાંધતી માહીનું મન ભૂતકાળની ભોમ પર ફરતું હતું…
“માહી….એ માહી…. તારૂ પરિણામ આવી ગયું છે… ઉગતા સુરજની કેસર સમી ઝાય માહીના ગાલોની લાલિમા બની લેહરાતી હતી, કારણકે માહી એ પંચાણું ટકા સાથે આખા જીલ્લામાં ટોપ કર્યું હતું… એ ખુશીની કિલકારીઓ… એ હસી… એ અભિનંદનના પુષ્પો… એ મીઠાઈઓ.. આજે પણ માહીની ધ્રુસ્કે ધ્રુસ્કે રડતી આંખોમાં તરી આવતાતા અને એ જ દીવસના ઉત્સાહ એ કદાચ સાચી માહીને જીવતી રાખી હતી.
એક અત્યંત હોનહાર વિધ્યાર્થીની કે જેના અધરો હમેંશા હાસ્યોનું મધુર સંગીત રેલાવતા અને જેનું હૈયું હંમેશા અન્યની ખુશી માટે ધબકતું એની આંખોમાં અશ્રુ તો આઠમી અજાયબી સમાન હતા..
પણ વાત જ કઈક એવી હતી, સોળ વર્ષની સલોણી ઉંમરે, સુંવાળી સુંદર સરિતા સમી માહી, ધરા બનીને અંબરને ચાહી બેઠી હતી…
કલિયુગના કામણમાં લપસી પડી હતી, એ બધી વાતોથી અજાણ કે આ મધુર લાગતું પ્રેમનું પ્રવાહી જિંદગીમાં ઝેર બની પ્રશરસે…. મીઠું ને ધીમું ઝેર કે જેને માહીને ધરમૂળથી બદલી નાખી, જેણે એ બાળક સમી મૃદુતાને મનમોહકતા ધરાવતી મસ્તીખોર માહીના ચેહરાની ચમક ચોરી લીધી અને ભરી દીધી મર્યાદાના નામે ખોખલી નિસ્પૃહ માહી.. જે પોતાના શોખ પસંદ નાપસંદ ભૂલી એક રુઢીચુસ્તતા અને રિવાજ મર્યાદા જેવા અસ્તિત્વ વગરના શબ્દોના રોગીથી મોહય ગઇ હતી.
એ વખતે પણ માહીનું મન હલબલી ઉઠતુતું જ્યારે એ યાદ કરતી’તી એ કોરા કાગળની સલવટો કે જે એના ભણતરનું ભવિષ્ય ભાંખવાની હતી અને એના પર ટંકાતા આશા ભરેલા પ્રેમ ભીના શબ્દો કે જે માહીના રણ સમાં હૈયાની રેતી પર મૃગજળ માત્ર હતા.
એ પરદેશી સાથીના સાથના નક્કર અસત્ય વાયદાઓને પાયથાગોરસના પ્રમેય સમાં સાચા ઠેરવવા માહીના કરેલા મરણીયા પ્રયાસો… કારણકે ગમે એટલી બદલાયેલી માહી અંદરથી તો એની મમ્મીની મનન હતી જે પોતાનું દરેક ચિંતન વિચાર એના મમ્મી આગળ જઈને ખુલા દિલે કહેતી, ચર્ચા કરતી હંમેશા એનો નિર્ણય માનતી અને ક્યારેક પોતાનો માનવતી, આજે પણ માહીનું મન પસ્તાવામાં ડૂબી જતું જ્યારે મમ્મીની પાછા વળી જવાની સલાહને નકારી એ પ્રેમ ડગર પર આગળ વધી ગઈ હતી.
માહીની નદાનીયત કહો કે પછી આંધળું આકર્ષણ જિંદગીના બે નિર્ણાયક વર્ષીમાં એ પ્રેમ નામની છેતરામણીને મહત્વ આપતી માહી યાદ કરીને આજે પણ આંખોના આંસુની ખારાશ ગોળના મીઠા પાણીમાં ભળી જતી હતી ..
ઘર આખાની આશાઓના દીપને કરમાં જલાવી માહી જ્યારે બે વર્ષમાં આગળ વધીને ત્યારે એ ખંત અને પોતાના ભણતર પ્રત્યેની ધગશ અને ઉત્સાહ ખોય બેઠી હતી કે પછી રસ્તો ભૂલી ગઈ હતી. કદાચ કુદરતે એ બે વર્ષો ક્રૂરતાથી જ લખ્યા હશે દાદાની લાડકી અને લાકડી એટલે કે માહી પોતાના દાદાને પણ ગુમાવી બેઠી બાકી તો ઈશ્વર એમાં સરસ્વતીના આશીર્વાદથી જ સન્માની હતી જે પોતાના શબ્દોને સુમન સાજવતીને શબ્દોથી જ પોતાનું સ્નેહસ્વર્ગ બનાવતી… સૌની ચાહિતી માહી બારમાના પરિણામ પછી પંચાણુંમાંથી પંચાવન થયેલા ટકા એ પોતાના તરફના સૌના વલણને બદલાતું જોય શકતી હતી.. સૌ આશા હારી બેઠા છતાંય માહીના અંતરમાં છલોછલ જોમ ભર્યું હતું, કંઈક કરી બતાવવાનું કંઈક પામવાનું, એ જ જોમ સાથે માહી એ સારવારનો રસ્તો છોડી શોધની સફર શરૂ કરી આજે રિસર્ચર બનેલી માહીના નામની આગળ ડૉક્ટરની પદવી તો હતી પણ એના અંદરની હકીકતથી સૌ અજાણ હતા.
નવી દુનિયામાં નીકળેલી માહીના સતત આગળ વધતા કદમોને એ કહેવાતા પ્રેમની બેળીઓ જકડતી હતી ફરી એ અસમનજશમાં અટવાણી માહી પોતાના મનમયુર કે જેને માહી પોતાનું સર્વસ્વ માની બેઠી હતી એનો મોહ મનમાં અને મંઝિલ સુધી પોહચવાનો માર્ગ મગજમાં ભમી રહ્યો હતો ..
પ્રેમના કેર ભરેલા કંટકોથી ઘવાયેલી માહી એ રુદંભર્યા હૈયે પ્રેમનગરથી મો ફેરવી તો લીધું પણ પોતાની વેદના વ્યક્ત કરતી માહી કે જેના શબ્દો આજે દરેક યુવાન હૈયા પર રાજ કરતા હતા અને એનું ખુદનું હૈયું આજે પણ અધુરા પ્રેમના દર્દ અને એકલતાથી ઝુરતું હતું.. અને એ સ્થિર થયેલી આંખમાંથી ભીનું અશ્રુ બની વહેતુ હતું…
“ફિયા….. સાંભળો છો… લાપસીમાં ગળપણ બમણું નાખજો એ લેખક મહોદય તો તમારા પર વારી ગયા છે….તમને પોતાની કલમમાં સાહી બનાવવા થનગની રહ્યા છે..”
આ સાંભળીને દુનિયા ભરના જવાબ લખતી માહીના મનમાં એક સવાલ એ અસહ્ય સુળ ઉપાડ્યું કે શું એ સ્નેહ એ પ્રેમ હું ફરીથી કરી શકીશ …?
લોય નીતરતું હૈયું આ સવાલનો જવાબ લખી શકે એ પેલા કુદરતે લાલ કંકુના છાંટણા કરી માહીની કંકોત્રી લખી નાખી..
-
મિશિકા ગંગદેવ