એકાએક આવેલ પરિવર્તન

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read
630-06721939 © Masterfile Royalty-Free Model Release: Yes Property Release: No Women holding an oil lamp and smiling

અનંત પટેલ

લગ્ન પહેલાં જ સાસરીયે જઈ આવવાથી હળવાશ અનુભવી રહેલી જયાએ લગ્ન કરીને સાસરે પગ મૂક્યો ત્યારે ખૂબ ગભરામણ અનુભવવા લાગી હતી.

લગ્ન પછી શું થશે? સાસરીયામાં બધાને કેવી રીતે ટેકલ કરવાં જોઇએ તે વિષય પર તેની ફ્રેંડઝ, મમ્મી તેમજ દાદીમા વિગેરેએ એટલી બધી શિખામણ-સલાહ-ટીપ્સ આપેલી તેને લીધે તે ચિંતાથી ભારેખમ થઈ ગઈ હતી. એના પતિ કેતન સાથે પણ એ મીઠાશથીવર્તી શકી નહિ. કેતને એમાં ખાસ કંઇ વાંધો લીધો નહિ કેમકે લગ્ન પછી એક અઠવાડીયુ બહાર ફરવા જવાનો પ્રોગ્રામ તેણે બનાવેલો જ હતો. જયાના મનમાં શી ખબર કોણ જાણે ક્યાંકથી કશોક ભય ઘૂસી ગયો હતો એટલે તેને કોઇ બોલાવે તો એ ઉમળકાભેર જવાબ પણ આપી શક્તી ન હતી…….  જયાના ચહેરા પરનો આ ભય તેનાં સાસુ સીમાબેનથી છાનો ન રહ્યો, એ પોતે શિક્ષિત અને સમજદાર હતાં. એમને થયું કે એ જો જયાને બરાબર ગાઇડ નહિ કરે તો એના મનમાં કશીક ગેરસમજ ઉભી થઇ જશે, અને વહુની આવી ગેરસમજ ભવિષ્યમાં ઘણા બધા પ્રશ્નો પણ ખડા કરી દેશે, તેથી ખૂબ વિચાર્યા બાદ તેમણે જયાને એક અલગ રૂમમાં લઈ જઈ શાંતિથી બેસાડીને માથે હાથ ફેરવીને કહ્યું,

” જો બેટા, તારા મોઢા પર મને કશુંક ટેંશન દેખાય છે એટલે તને ખાનગીમાં સમજાવું છુ કે તું આવું કશું ટેંશન મનમાં લઈશ નહિ, તારા પપ્પાના ઘર જેવું જ આ ઘર છે અમે બધાં તારા માટે નવાં છીએ એટલે તારે ગભરાઈ જવાની જરૂર નથી. તું તારે હળવી ફૂલ થઈને ફર, તારાથી કાંઇ ભૂલ થશે તોપણ તને કોઇ લડશે નહિ….  મારે તો મારી વહુ હળવી ફૂલ જેવી ને હસતી રમતી જોવી છે…..”

– જયા તેનાં સાસુના આવા શબ્દોથી પહેલાં તો સહેજ મૂંઝાણી પણ પછી સાસુની નિખાલસતા જોતાં તે ખરેખર હળવી બની ગઈ, મનમાં સાસુ વિશેનો ઉભો થયેલો વ્યર્થ ભય ક્યાંક દૂર દૂર ચાલ્યો ગયો. જયાની વર્તણૂંક્માં એકાએક આવેલા પરિવર્તનનું રહસ્ય તેનો પતિ કેતન પણ શોધતો જ રહી ગયો….

Share This Article