-
અમદાવાદમાં તા.૨-૩-૪ ફે્બ્રુઆરી દરમિયાન ગ્રાન્ડ એજ્યુકેશન ફેર યોજાશે
-
વિદ્યાર્થીઓ -વાલીઓને મૂંઝવતા કારકિર્દી ઘડતરના પ્રશ્નોમાં યોગ્ય માર્ગદર્શન મળી રહેશે
વિદ્યાર્થીઓ અને વાલીઓને મૂંઝવતા કારકિર્દી ઘડતર અને ક્ષેત્ર પસંદગી જેવા વિવિધ શૈક્ષણિક પ્રશ્નો બાબત યોગ્ય માર્ગદર્શન અને ઉકેલ મળી રહે એ હેતુથી અમદાવાદમાં ૨ થી ૪ ફે્બ્રુઆરી દરમિયાન ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે ગ્રાન્ડ એજ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર, નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત અને ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાઇ રહેલા ગ્રાન્ડ એજ્યુકેશન ફેરમાં ગુજરાતની ૫૦થી વધુ યુનિવર્સિટીઓ, ૧૫૦ થી વધુ કોલેજો અને ૧૦ જેટલા ફોરેન એજ્યુકેશન કન્સલટન્ટ ભાગ લેશે. મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી રજી ફેબ્રુઆરી ૨૦૧૮ એ બપોરે ૨-૦૦ કલાકે ગ્રાન્ડ એજ્યુકેશન ફેરનો શુભારંભ કરાવશે.
વિદ્યાર્થીઓ અને વાલીઓને વિવિધ કોલેજો, યુનિવર્સિટીઓ, ફોરેનમાં ઉપલબ્ધ વિવિધ અભ્યાસક્રમો, પ્રવેશ પ્રક્રિયા, ફીનું ધોરણ, વિદેશમાં એકોમોડેશન વગેરે માહિતી એક જ સ્થળેથી મળી રહે એવા ગ્રાન્ડ એજ્યુકેશન ફેરમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ યુનિવર્સિટી અને કોલેજોના પ્રતિનિધિઓ સાથે સીધી વાતચીત કરીને માર્ગદર્શન મેળવી શકશે. શુભારંભ સમારોહમાં કોલેજોને નેકમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન, નેટ/સ્લેટ, રિસર્ચ અને ઇનોવેશન, પ્લેસમેન્ટ એક્ટીવીટી અને સ્ટાર્ટઅપ પોલીસી જેવી પાંચ કેટેગરીમાં ૪૦ જેટલા એવોર્ડસ પણ એનાયત કરાશે. રાજ્ય સરકાર દ્વારા આ વર્ષથી અમલી કરાયેલી વિદ્યાર્થીઓ માટેની વિવિધ યોજનાઓની માહિતી પણ આ ફેરમાં મળી રહેશે.
ફેર દરમિયાન વિદ્યાર્થીઓને વર્તમાન સમયની ઉપલબ્ધ વિવિધ વિદ્યાશાખાઓમાં કારકિર્દીની તકો, ઉચ્ચ શિક્ષણ માટેની સરકારની વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અને શિષ્યવૃત્તિ સંબંધી યોજનાઓ, શૈક્ષણિક લોન અંગેની માહિતી, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને તે અન્વયે ઉપલબ્ધ વ્યવસ્થાઓ તથા ભાવિ તકો, રોજગાર ક્ષમતા માટે જરૂરી સોફ્ટ સ્કિલ અને કોમ્યુનિકેશન સ્કિલ, તેમજ વિદેશી શિક્ષણ અંગેની માહિતી, સ્વ-રોજગાર માટે સરકારની સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલીસી અંગેની માહિતી વિદ્યાર્થીઓ અને વાલીઓને સરળતાથી મળી શકે તે માટે વિવિધ સેમિનારનું પણ આયોજન કરવામાં આવેલ છે.
આ સેમિનારમાં જય વસાવડા, મુકુલ સિંઘલ, શશાંક વાલિયા, સુધા શાહ, ડૉ.અમી ઉપાધ્યાય, શ્વેતા રાવ ગર્ગ, વિશાલ ભાદાણી, ભાગ્યેશ સોનેજી, હરીશ ઐયર જેવા નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ સેમિનારમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓએ http://educationfairgujarat.org/ વેબસાઇટ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
સેમિનારની સાથે વિદ્યાર્થીઓ માટે કલ્ચરલ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવેલ છે. જેમાં વિદ્યાર્થીઓ અને વિવિધ નામાંકિત સંસ્થાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે.