ગુજરાતમાં ઈ-સિગરેટ પર પ્રતિબંધ મૂકતું બિલ પસાર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા આજે વિધાનસભા ગૃહમાં એક મહત્વના નિર્ણય મારફતે સિગરેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટસ એક્ટ (કોટ્‌પા-૨૦૦૩) કાયદામાં સુધારો કરીને વિધેયક પસાર કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતમાં ઈ-સિગરેટ પર પ્રતિબંધ મુકવાની જોગવાઈ કરવામાં આવી છે. કોટ્‌પા કાયદામાં સુધારો કરીને હુક્કાબારને પ્રતિબંધિત કરીને ૩ વર્ષ સુધીની કેદની સજા અને રૂ. ૫૦૦૦૦ સુધીના દંડની જોગવાઇ કરવામાં આવી છે. આરોગ્ય માટે જોખમી ઇ-સિગારેટ (ઇલેકટ્રોનિક નિકોટીન ડિલીવરી સીસ્ટમ (ઇએનડીએસ) કે જે સામાન્ય રીતે ઇ-સિગારેટ તરીકે ઓળખાય છે. તેના ઉત્પાદન, આયાત, જાહેરાત અને વ્યાપાર, વિતરણ, વેચાણ (ઓનલાઇન સહિત) ઉપર ગુજરાતમાં પ્રતિબંધ મુકવા કોટ્‌પા સુધારા વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું. ભારતના ૧૨ રાજ્યો તથા વિશ્વના ૩૦થી વધુ દેશોમાં ઇ-સિગારેટ ઉપર ઠરાવ કરીને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે કે જ્યાં ઇ-સિગારેટ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

રાજ્યનું યુવાધન આ નવા પ્રકારના જોખમી વ્યસનની લતના રવાડે ન ચઢે તે માટે રાજ્ય સરકારે મૂળ કોટપા-૨૦૦૩ના કાયદામાં સુધારો કરી હવેથી ઇ-સિગારેટના ઉત્પાદન, આયાત, જાહેરાત અને વેચાણ, (ઓનલાઇન સહિત) વિતરણ, વ્યાપાર, આયાત ઉપર પ્રતિબંધ મુકવા સુધારા વિધેયક રજૂ કરાયું હતું. આ કાયદાના ભંગ બદલ ત્રણ વર્ષ સુધીની કેદની સજા કે જે એક વર્ષથી ઓછી નહી અને રૂપિયા ૫૦ હજાર સુધી પરંતુ રૂપિયા ૨૦ હજારથી ઓછો નહી તેટલા દંડની જોગવાઇ કરવામાં આવી છે.

સુધારા વિધેયક પસાર થવાથી હવે તે કોગ્નિઝેબલ ગુન્હો ગણાશે અને તેની સાધન સામગ્રી કબ્જે લેવાની સત્તા પી.એસ.આઇ. કે તેનાથી ઉપરના દરજ્જાના અધિકારીને સોંપવામાં આવશે. પ્રદીપસિંહ જાડેજાએ કોટપા(સીઓટીપીએ) ગુજરાત સુધારા વિધેયક- ૨૦૧૯ રજૂ કરતા જણાવ્યું હતું કે, હાલમાં રાજ્યમાં યુવાનોમાં આરોગ્ય માટે જોખમી એવી ઇ-સિગારેટનું વ્યસન વધી રહ્યું છે. ઇ-સિગારેટ એ બેટરીથી ચાલતું એક એવું સાધન છે, તેમાં રહેલા પ્રવાહીને એરોસોલમાં પરિવર્તિત કરે છે અને બહાર કાઢે છે. સિગારેટમાં જે પ્રવાહી હોય છે તેમાં નિકોટીન, પ્રોપીલીન ગ્લાયકોલ, ગ્લિસરીન અને અન્ય રસાયણો હોય છે. એરોસોલમાં ઘણા હાનિકારક તત્વો ઉપરાંત તેમાં રહેલું ડાયાસીટીલ નામનું રસાયણ ફેફસા માટે નુકશાનકારક બનતું હોવાની સાથે સીસુ જેવી ધાતુ કેન્સરના રોગને નોંતરે છે.

Share This Article