ચાર્જીંગ દરમ્યાન ફિલ્મ જોતી વેળા કરંટથી યુવકનું મોત થયું

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ :  વડોદરામાં મોબાઇલ ચાર્જીંગ દરમ્યાન ફિલ્મ જોતી વખતે અચાનક વીજકંરટ લાગતાં એક યુવકનું કરૂણ મોત નીપજયુ હતું. ચાર્જ કરતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા લોકો માટે વડોદરા શહેરમાં બનેલો આ બનાવ લાલબત્તી સમાન અને ચેતવણીરૂપ કિસ્સો છે. બનાવને પગલે સ્થાનિકોમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને હવે ચાર્જીંગ દરમ્યાન મોબાઇલ જાતી વખતે કરંટ લાગે તેવી ઘટનાને લઇ સ્વાભાવિક ફફડાટ પણ પ્રસર્યો હતો. વડોદરા શહેરના પરશુરામ ભઠ્ઠા ભાથુજીનગરમાં મૂળ યુ.પી.નો વતની શિવભારતી બાબુભારતી ભારતી(ઉ.વ.૧૮) ભાડાના મકાનમાં રહેતો હતો. અને ફર્નિચરનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. મોડી સાંજે કામ પરથી આવ્યા બાદ મોબાઇલ ફોન ચાર્જમાં મૂકીને ફિલ્મ જોતો હતો.

એકાએક મોબાઇલ ચાર્જરના કેબલમાં કરંટ લાગતા તે ફંગોળાઇ ગયો હતો. શિવભારતીએ ચીસો પાડતા જ ઘરમાં હાજર તેનો ભાઇ તેની પાસે દોડી આવ્યો હતો. આ સાથે સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા અને શિવને તુરંત જ હોસ્પિટલમાં લઇ જવાની તૈયારી કરી હતી. પરંતુ હોસ્પિટલમાં જતી વખતે રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઇ ગઇ હતી.

ઉલ્લેખનીય છે કે, મોટાભાગના લોકો મોબાઇલ ફોન ચાર્જમાં મૂકીને મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં શિવ ભારતી સાથે બનેલી ઘટના મોબાઇલ ફોન ધારકો માટે લાલબત્તી સમાન છે. જોકે, મોબાઇલ ફોનના ચાર્જરના કેબલ દ્વારા કરંટ લાગવો પણ એક રહસ્ય છે. ત્યારે આ બનાવ અંગે પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

Share This Article