અમદાવાદઃ દેશની જાણીતી કંપની નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાએ ભારતના રિયલ એસ્ટેટની સ્થિત અને આંકડાને લઇ તેની નવમી આવૃત્તિ અમદાવાદમાં રજૂ કરી હતી. જેમાં એવી રસપ્રદ અને ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે, અમદાવાદ શહેરમાં હાલ એક કરોડથી વધુ સ્કવેર ફીટના પ્રોજેકટ અંડરકન્સ્ટ્રકશન છે. જયારે અમદાવાદના ઓફિસ માર્કેટમાં તૈયાર થઇ ગયેલા પ્રોજેકટોમાંથી ૨૫ ટકા જગ્યા ખાલી પડી રહી છે એટલે કે, તેનું વેચાણ થયું નથી. શહેરના રેસીડેન્સીયલ માર્કેટની વાત કરીએ તો, નવા લોન્ચીસમાં ૨૯ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે એટલે કે, આ વર્ષના પ્રારંભિક છ મહિનામાં ૧૩૨૩થી વધુ ફલેટ જ લોન્ચ થઇ શકયા છે. જેમાં પણ સૌથી વધુ માર્કેટ એટલે કે, ૮૦ ટકા માર્કેટ રૂ.૫૦ લાખથી ઓછી કિંમતના એફોર્ડેબલ અને મીડલકલાસ માટેના ફલેટ-મકાનોનું રહ્યું છે. જો કે, આ બધી પરિસ્થિતિને લઇ અમદાવાદ શહેરમાં પ્રોપર્ટીના ભાવો એકંદરે સ્થિર રહ્યા છે અને તેમાં કોઇ નોંધપાત્ર ફેરફાર નોંધાયો નથી. નાઇટ ફ્રેન્ક ઇન્ડિયા દ્વારા ૨૦૧૮ના વર્ષમાં જાન્યુઆરીથી જૂન સુધીના પ્રારંભિક છ મહિનાના કરાયેલા વિશ્લેષણ અને અર્ધવાર્ષિક રિપોર્ટને જાહેર કરતાં નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાના ડાયરેકટર બલબીરસિંઘ ખાલસાએ અત્રે જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં ઓફિસ માર્કેટમાં જાઇએ તો, ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં ૦.૪૭ એમએનએસક્યૂ ફૂટનું ટ્રાન્ઝેક્શન થયું, જે ૨૦૧૭ના અર્ધવાર્ષિક ગાળામાં જે સ્પેસનું ટ્રાન્ઝેક્શન થયું તેના કરતાં ૫૯ ટકા ઓછું રહ્યું છે. આમ, ૨૦૧૭ના અર્ધવાર્ષિક ગાળાની તુલનામાં ટ્રાન્ઝેકશનમાં ૪૭ ટકાનો ઘટાડો નોંધાયો છે. એસજી હાઈવે ખાતે સીબીડી વેસ્ટમાં ૯૭ ટકા ટ્રાન્ઝેક્ટેડ સ્પેસમાં ૩૨ ટકા નોંધાયો છે. એટલે કે, માંગની સાથે વેકન્સી લેવલ્સમાં વધારો નોંધાયો છે પરંતુ તેની સામે સપ્લાય પૂરતા પ્રમાણમાં નથી. જયારે અમદાવાદ શહેરમાં રેન્ટલમાં સરેરાશ છ ટકાનો વધારો નોંધાયો છે. આ સાથે જ નવા સર્વેમાં અમદાવાદ શહેરમાં કો-વર્કિંગ સ્પેસના નવા કન્સેપ્ટનો પણ પ્રવેશ જાવા મળી રહ્યો છે. એટલે કે, લોકો હવે તૈયાર અને ફર્નીશ્ડ ઓફિસમાં જ લીઝ કે ભાડેથી રાખીને કામ કરવાનું પસંદ કરતા થયા છે. બિનજરૂરી આર્થિક ભારણ અને લોનોના હપ્તામાંથી મુકિત માટે આ કન્સેપ્ટ પણ હવે વધુ રસપ્રદ બની રહ્યો છે. રેસીડેન્સીયલ માર્કેટમાં નવા પ્રોજેકટ લોન્ચીસમાં ૨૯ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે અને માર્કેટ નવી નીતિઓ સાથે એડજસ્ટ થઇ રહ્યું છે.
મહત્તમ પ્રોજેકટ લોન્ચીસ શહેરના પશ્ચિમ અમદાવાદના સાઉથ બોપલ અને સેલા બાજુ વધુ જાવા મળ્યું છે. નાઇટ ફ્રેન્ક ઇન્ડિયા ના ડાયરેકટર બલબીરસિંઘ ખાલસાએ ઉમેર્યું હતું કે, અમદાવાદમાં રેસીડેન્સીયલ માર્કેટના વેચાણમાં માત્ર બે ટકાનો જ વધારો નોંધાયો છે. બીજીબાજુ, તૈયાર થઇને પડેલા અને બે વર્ષથી નહી વેચાયેલા ફલેટો-મકાનોની ટકાવારી પણ ૩૭ ટકા જેટલી થવા જાય છે. જેમાં સૌથી વધુ ઉત્તર ઝોનમાં ૫૮૩૪, પશ્ચિમમાં ૫૦૩૦ અને પૂર્વમાં ૪૮૨૮ ફલેટ-મકાનોનો સમાવેશ થાય છે કે જે હજુ ખાલી પડી રહ્યા છે. ઓફિસ માર્કેટમાં નવા પ્રોજેકટ કમ્પ્લીશનમાં ૫૯ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. નાઇટ ફ્રેન્ક ઇન્ડિયા દ્વારા દેશના મુંબઇ, પૂણે, બેંગ્લુરૂ, હૈદ્રાબાદ, અમદાવાદ, કોલકત્તા સહિત આઠ શહેરોમાં આ સર્વે કર્યો હતો. દેશમાં ઓવરઓલ ઓફિસ માર્કેટમાં ખાસ કરીને વેરહાઉસ, રિટેઇલ અને રેસીડેન્સીયલ સેકટરમાં લોકોનું રોકાણ વધ્યું છે. તેમણે રિયલ એસ્ટેટના આગામી છ મહિનામાં સારા ભવિષ્ય અને દેખાવની આશા પણ વ્યકત કરી હતી.