અમદાવાદઃ સામાજિક કાર્યો સાથે જોડાયેલી શહેરની જાણીતી સામાજિક સંસ્થા ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા એક ચેરિટી શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા દીકરી શિક્ષણની મહત્તા સમજાવતું પારિવારીક મનોરંજક નાટક ‘દીકરી મારી લાજવાબ’નો ચેરિટી શો આયોજિત કરવામાં આવ્યો, જેનો હેતુ જરૂરિયાતમંદ બાળકોના શૈક્ષણિક ઉત્થાન માટે ભંડોળ એકત્રિત કરવાની સાથેસાથે નવા લોકોને સંસ્થા સાથે જોડવાનો રહ્યો હતો.
ચેરિટી શો પ્રસંગે ડ્રીમ ફાઉન્ડશનના ફાઉન્ડર નિરવ શાહે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતાં જણાવ્યું, “ડ્રીમ ફાઉન્ડેશન ખાતે અમારો ઉદ્દેશ ઝાઝા હાથ રળિયામાણા ઉક્તિને સાર્થક કરવાનો રહેલો છે. જેટલા વધુ લોકો અમારી સંસ્થા સાથે જોડાશે તેટલી જ દૂર સુધી સંસ્થા પહોંચી શકશે. ચેરિટી શોના આયોજન પાછળનો ઉદ્દેશ સંસ્થાના કાર્યોને લોકો સુધી લઇ જઇ તેઓને પણ સંસ્થા સાથે જોડવાનો રહેલો છે, અને અમે તેમાં સફળ રહ્યાં છીએ. આજે સંસ્થા શહેરના દરેક વિસ્તારમાં 150થી વધુ વોલેન્ટિયર્સની સમર્પિત ટીમ ધરાવે છે. આ ઉપરાંત, સંસ્થા છેલ્લા બે વર્ષથી પણ ઓછા સમયમાં આશરે 5000 બાળકોને શિક્ષણ આપવામાં મદદરૂપ નીવડી છે. સંસ્થા દીકરીઓને સ્વ-રક્ષણ તાલિમ આપવા માટે વિવિધ શૈક્ષણિક સંકુલો સુધી પહોંચી છે. ઓબિસિટી અવેરનેશ, બ્રેસ્ટ કેન્સર અવેરનેશ, નેત્ર નિદાન શિબિર સહિતની આરોગ્ય સંબંધિત પહેલ થકી સંસ્થા દરેક ઉંમરના વ્યક્તિ સુધી પહોંચવામાં સફળ રહી છે.”
“સંસ્થા ટૂંક જ સમયમાં પોતાના નિર્ધારિત લક્ષ્યો હાંસલ કરવામાં સફળ રહી છે, તેનો શ્રેય સંસ્થાની કોર ટીમ અને વોલેન્ટિયર્સને જાય છે. આર્થિક રીતે સંસ્થાને મજબૂતાઈ પૂરી પાડનાર દાતાશ્રીઓ અને હિતેચ્છુઓનો પણ સંસ્થા આભાર વ્યક્ત કરે છે. અહીં અમને તે જણાવતા આનંદ થઈ રહ્યો છે કે અમે સંસ્થાના સામાજિક કાર્યો અવિરત જળવાઇ રહે તે માટે નવી પેઢીને પણ અમારી સાથે જોડી છે.” – નિરવ શાહે વધુમાં ઉમેર્યું.
ડ્રીમ ફાઉન્ડેશન ટૂંક જ સમયમાં પોતાના દ્વારા હાથ ધરાયેલા સામાજિક કાર્યો થકી શહેરની જાણીતી સામાજિક સંસ્થા તરીકે ઉભરી આવી છે. સંસ્થા દ્વારા વર્ષ દરમિયાન મહિલા સંરક્ષણ, બાળ શિક્ષણ અને આરોગ્ય જાગૃતતા સહિતની વિવધ પહેલ આયોજિત કરવામાં આવે છે. સંસ્થાની ફ્લેગશિપ પહેલ ‘પસ્તી સે પઢાઈ તક’ તેની અનોખી વિભાવના થકી લોકોના હૃદય સુધી પહોંચવામાં સફળ રહી છે. આ પહેલ દ્વારા એકત્રિત ભંડોળનો બાળ શિક્ષણના ઉમદા કાર્ય માટે કરવામાં આવે છે.