ગુજરાત : ગુજરાતી ફિલ્મોની વ્યાખ્યા બદલવા માટે આવી ગઈ છે ફિલ્મ “સમંદર”. ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પ્રથમવાર હટકે એવા “અંડરવર્લ્ડ” વિષય પર બનેલ આ ફિલ્મનું દિર્ગદર્શન વિશાલ વડાવાળાએ કર્યું છે. કેપી એન્ડ યુડી મોશન પિક્ચર પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનેલ આ અદભૂત અને રોમાંચિત કરી દે તેવી ફિલ્મનું નિર્માણ પ્રોડ્યુસર કલ્પેશ પલાણ અને ઉદયરાજ શેખવા દ્વારા કરવામાં આવ્યું છે. ટીઝર રિલીઝ કર્યા બાદ દર્શકોની આતુરતાનો અંત લાવવા માટે ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું છે. 17મી મેના રોજ રિલીઝ થઈ રહેલ આ ફિલ્મ “સમંદર”માં 2 મિત્રોની કહાની વર્ણવામાં આવી છે. આ 2 મિત્રો એટલે અત્યંત પ્રભાવશાળી અભિનેતાઓ મયુર ચૌહાણ માઇકલ અને જગજીતસિંહ વાઢેર.
ફિલ્મનું ટ્રેલર જોયાં બાદ એ બાબત સ્પષ્ટ થઈ ગઈ છે કે ફિલ્મનું બીજીએમ અને પ્રોડક્શન વેલ્યૂ અંત્યંત વખાણવા લાયક છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રથમવાર ગેંગસ્ટર પર આધારિત ફિલ્મ આવી છે, જેથી દર્શકો ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. “સમંદર” ફિલ્મ એ ડિરેક્ટર વિશાલ વડાવાળાનો ડ્રીમ પ્રોજેક્ટ છે. આ ફિલ્મનો વિષય કાંઈક અલગ છે. ફિલ્મમાં ઉદય (મયુર ચૌહાણ) અને સલમાન (જગજીતસિંહ વાઢેર)ની દોસ્તીની વાર્તા છે. ગુજરાતના ગૅન્ગસ્ટરની વાત છે, માફિયાગીરીમાં બે ભાઈબંધ કેવી રીતે દાખલ થાય છે અને કેવી રીતે બન્ને ભાઈ બને છે એની વાત ફિલ્મમાં કરવામાં આવી છે. આ બંને મિત્રો નાનપણથી જ ક્રાઈમની દુનિયામાં પ્રવેશ કરે છે અને આગળ જતાં તેમના જીવનમાં કેવા વળાંક આવે છે તે આ ફિલ્મ થકી જોવું જ રહ્યું.
ફિલ્મને સંગીત પીરસ્યું છે જાણીતા સંગીતકાર કેદાર ભાર્ગવે અને ફિલ્મની સુંદર વાર્તા સ્વપ્નીલ મહેતા દ્વારા લખવામાં આવી છે. ચૌહાણ અને જગજીતસિંહ વાઢેર ઉપરાંત ચેતન ધનાણી, મમતા સોની, ધર્મેન્દ્ર ગોહિલ, કલ્પના ગગડેકર અને મયુર સોનેજી જેવાં પ્રતિભાશાળી કલાકારો પણ મુખ્ય ભૂમિકાઓમાં નજ઼રે પડશે. દરિયા સાથે દોસ્તીની વાર્તા કહેતી ફિલ્મ છે- “સમંદર”. જાણીતા ગાયકો નતાશ અઝીઝ અને આદિત્ય ગઢવીના અવાજમાં સ્વરબદ્ધ કરાયેલ ફિલ્મનું પ્રથમ સોન્ગ “માર હલેસા” પણ રિલીઝ થઈ ચૂક્યું છે જેણે આ ફિલ્મ જોવા દર્શકોને વધુ આતુર કર્યા છે. મુળભૂત રીતે ફિલ્મમાં સમંદરની વાત છે, મિત્રતાની વાત છે, દરિયો અને દરિયા કિનારાની વાત છે. ક્રાઇમ અને પોલિટીક્સ તથા માછીમારો પણ ફિલ્મમાં જોવા મળશે. ટૂંકમાં કહીએ તો ફિલ્મમાં વટ, વચન અને વેરની વાત છે.