અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૂકો અને ભીનો કચરો અલગ પાડીને તેને પિરાણા ડમ્પ સાઇટ પર ઠાલવવા લઇ જનારી ડોર-ટુ-ડોરની નવી સિસ્ટમ સામે પારાવાર ફરિયાદ ઊઠી છે. તંત્રની આ નવી સિસ્ટમ હેઠળ કોમર્શિયલ એકમોનો કચરો પણ એકઠો કરવાની કામગીરીનો સમાવેશ કરાયો છે તેમ છતાં કોમર્શિયલ એકમોના વેપારીઓ પણ ખુશ નથી. ઉત્તર પશ્ચિમ ઝોનના બોડકદેવ વોર્ડના વેપારીઓએ ડોર-ટુ-ડોર સિસ્ટમ સામે ઉચ્ચ સ્તરે તંત્રમાં ઉગ્ર રજૂઆત કરીને અસંતોષ વ્યક્ત કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા તાજેતરમાં જ શહેરમાં ડોર- ટુ-ડોરનો કચરો ઉઘરાવવાના બહાને યુઝર્સચાર્જ નામનો નવો વેરો ઝીંક્યો છે, જેમાં ઘરદીઠ એક રૂપિયા પ્રમાણે વાર્ષિક રૂ.૩૬પ અને દુકાન કે કોમર્શિયલ એકમદીઠ વાર્ષિક રૂ.૭૩૦નો યુઝર્સ ચાર્જ તા.૩૧ ઓગસ્ટ, ર૦૧૮થી વસૂલાઇ રહ્યો છે.
બીજી તરફ ડોર-ટુ-ડોર સિસ્ટમમાં પાર વગરની ગેરરીતિ જોવા મળે છે. મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પાછળ આંધળો ખર્ચ કરાય છે તેમ છતાં આ વિભાગની કામગીરી સતત નબળી પુરવાર થઇ રહી છે. બોડકદેવ વોર્ડમાં ડોર-ટુ-ડોરના ડિંડક વિરુદ્ધ ગંભીર ફરિયાદ ઊઠી છે. વેપારીઓએ ઉગ્ર આક્રોશ ઠાલવતાં જણાવ્યું હતું કે, અમારા વોર્ડમાં કોન્ટ્રાક્ટરની કચરાગાડી નાના એકમો પાસેથી કચરો ઉઘરાવતી જ નથી. દિવસો સુધી અમારી દુકાનનો કચરો પડ્યો રહે છે.
યુઝર્સચાર્જ ઝીંકીને પણ જો કોમર્શિયલ એકમોનો કચરો ઉઘરાવવાના મામલે તંત્ર ભેદભાવ રાખતું હોય તો યુઝર્સચાર્જ શા માટે ચૂકવવો જોઇએ? તાજેતરમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં સ્થાનિક કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય દીપ્તિબહેન અમરકોટિયાએ આ મામલે તંત્ર પર પસ્તાળ પાડી હતી. બોડકદેવ વોર્ડમાં નાના વેપારીઓનો કચરો કેમ લેવાતો નથી તેવા દીપ્તિબહેનના પ્રશ્નનો તંત્રના હર્ષદ સોલંકી સહિતના જવાબદાર અધિકારી સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. આગામી દિવસોમાં આ મામલો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તેવી પણ વેપારીઓએ ચીમકી ઉચ્ચારી હતી.