વિધાનસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત વધુમાં વધુ લોકો મતદાન કરવા માટે જાગૃત થાય અને લોકશાહીના અવસરમાં ભાગીદાર થાય તે હેતુથી ચૂંટણીશાખા દ્વારા જામનગર જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે જામનગર શહેરના ક્રિકેટ બંગલો ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉ. સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિ અને કેળવણી (સ્વીપ) અંતર્ગત દિવ્યાંગ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યાંગ સમુદાયને મતદાન માટે પ્રોત્સાહિત કરવા યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ જામનગરની શહેર અને ગ્રામ્ય ટીમ જેમાં જામનગરના ટીમ મેનેજર વિવેકભાઈ મંગીની આશા ટીમ સામે ટીમ મેનેજર બિપિનભાઈની દીપ ટીમ વચ્ચે ૧૦ ઓવરની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
આશા ટીમે ટોસ જીતી બેટિંગ કરી હતી. દિવ્યાંગ ખેલાડીઓએ ક્રિકેટ રમી તેમજ સિગ્નેચર કેમ્પેઇન થકી દિવ્યાંગ સમુદાયને મતદાન કરવા જાગૃત કરી લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી હતી. તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારઘીએ દિવ્યાંગોને શુભેચ્છાઓ પાઠવી ક્રિકેટ મેચ નિહાળી મતદાન કરવા માટે અપીલ કરી હતી. મતદાર જાગૃતિના સંદેશ સહ યોજાયેલા આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેકટર બી. એન. ખેર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કલ્પના ગઢવી, નોડલ ઓફિસર (સ્વીપ) ફોરમ કુબાવત, પ્રાંત અધિકારી દર્શન શાહ, આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટના પ્રમુખ સતાર એમ દરજાદા(અસ્થિવિષયક દિવ્યાંગ), પ્રાંત યુવા વિકાસ અધિકારી એચ. એમ. વાળા, પીડબલ્યુડી નોડલ ઑફિસર ડૉ.ઘનશ્યામ વાઘેલા, મદદનીશ નોડલ ઓફિસરો એમ. આર.પટેલ અને આર. જે. શીયાર, વિવિધ દિવ્યાંગ કલ્યાણકારી સંસ્થાઓના આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં દિવ્યાંગો લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવાના જાગૃતિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.