જૂનાગઢ: જૂનાગઢની રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલયની ૨૯૧ મહિલા લોકરક્ષકની આઠ માસની બેઝીક તાલીમ પૂર્ણ થતા બીલખા રોડ સ્થિત પોલીસ તાલીમ મહા વિદ્યાલયના ગ્રાઉન્ડમાં પ્રિન્સિપાલ અને આઇ.જી. એમ.એમ.અનારવાલાના અધ્યક્ષ સ્થાને દિક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે પરેડ નિરીક્ષણ અને માર્ચ-પાસ્ટ બાદ પોલીસ તાલીમ મહાવિદ્યાલયના પ્રિન્સિપાલ અને આઇ.જી. એમ.એમ.અનારવાલાએ દિક્ષાંત પ્રવચનમાં નવનિયુક્ત મહિલા લોકરક્ષકોને જણાવ્યું હતું કે હવે પુરા શિસ્ત સાથે પોલીસ દળમાં ફરજ બજાવવાની છે ત્યારે હંમેશા બંધારણને વફાદાર રહીને રાષ્ટ્રભક્તિ સાથે કર્તવ્ય બજાવીએ.
અનારવાલાએ વધુમાં જણાવ્યું હતું કે પોલીસે ગમે તે ઘડીએ સમાજના રક્ષણ માટે હંમેશા તત્પર રહેવાનું છે. મહિલા, બાળકો, વૃધ્ધો અને નિ:સહાય સહાય લોકોની પણ મદદ કરવાની છે. બંદોબસ્તથી માંડીને પ્રોટોકોલ મુજબની કામગીરીની જે તાલીમ આપવામાં આવી છે તેનો અમલ કરીને સમાજસેવામાં સરકારે સોંપેલી ફરજમાં સમર્પિત થવાની શીખ આપી હતી.
પોલીસ તાલીમ મહાવિદ્યાલયના પ્રિન્સીપાલએ તાલીમ પુર્ણ કરેલ મહિલા પોલીસને કહયું કે હવે તમારે જે તે જિલ્લામાં ફરજ બજાવવાની છે. તમારી કારકિર્દીનો પ્રારંભ થઇ રહયો છે. જીવનમાં તમારી પ્રગતિ થાય અને મહિલા સશકિતકરણ સાથે તમારે સમાજની અને સરકારની અપેક્ષા પ્રમાણે કાર્ય કરીને તમારા પર સરકારે મુકેલા ભરોસાને સાર્થક કરવાનો છે. લોભ અને લાલચથી દૂર રહીને તટસ્થતાથી ફરજ બજાવવા તેમજ પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્રાત્મક રીતે નહિં પરંતુ લોકોને અહેસાસ થાય તે રીતે કામ કરવા માર્ગદર્શન આપ્યું હતુ. “સારે જહાંસે હિન્દુસ્તા” દેશ ભકિતના ગીતની પંકિતઓ રજુ કરીને અનારવાલાએ જોમ અને જુસ્સો અને દેશ ભકિતની પણ પ્રેરક વાત કરી હતી.
આ તાલીમ દરમિયાન ઇનડોર અને આઉટડોર શ્રેષ્ઠ કામગીરી અને વિશેષ કૌશલ્યથી કામ કરનાર મહિલા લોક રક્ષકોને શિલ્ડ આપીને આપીને બહુમાન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં રાષ્ટ્રગીત, હથિયારધારી અને બિન હથિયાર ધારી મહિલા લોક રક્ષકોની પરેડનું નિરીક્ષણ, શપથ ગ્રહણ, રાષ્ટ્ર ધ્વજ અને યુનીટ ધ્વજ સાથે માર્ચ પાસ્ટ અને પ્રોટોકલ સ્વાગત બેન્ડ સુરાવલી સાથે કરવામાં આવ્યું હતું.