દીકરીના શબ્દો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

–    અનંત પટેલ

અંજુને સાસરે મોકલવાની ક્ષણો જેમ જેમ નજીક આવતી જતી હતી તેમ તેમ તેનાં મમ્મીના ચહેરા પર ટેંશન વધતું જતું હતું . એ લાખ કોશિશ કરતાં તો પણ એમનું ટેંશન દીકરીથી છૂપાવી શકાતું ન હતું માણસનો ચહેરો એવો છે કે તમે કશું પણ ન બોલો તો ય સામેના માણસને એ ઘણું બધુ કહી દેતો હોય છે.

   — ” અંજુને સાસરામાં બરાબર ફાવી જશે કે કેમ ?

­­­   — ” અહીંયાં તો બહુ લાડ કોડમાં ઉછરી છે તો સાસરામાં કંઇ ઓછું તો નહિ આવે ને ?

   — ” એ બધી નવી વ્યક્તિઓ સાથે સારી રીતે હળી મળી જશે કે કેમ ?

  — ” જમાઈ તો એને સારું જ રાખશે પણ તેનાં સાસુ કદાચ વાંધા વચકા તો નહિ પાડે ને ?­­­­­­

  — ” એની નણંદ પણ કોણ જાણે કેવી હશે ?

      સ્વાભાવિક રીતે જ સાસરે જતી દીકરીની મમ્મીના મનમાં આવા બધા પ્રશ્નો થતા હોય છે. અહીંયાં અંજુ મમ્મીનું ટેંશન પારખી ગઈ હતી. અંજુએ મમ્મીનું ટેંશન દૂર કરવાનું મનોમન નક્કી કરી લીધું . લગ્નના ત્રણ દિવસ બાકી હતા ને એક રાત્રે અંજુ મમ્મીને પાસે બેસાડી ને કહેવા લાગી —

    ” મમ્મી તું શાના ટેંશનમાં આવી ગઈ છો? તારે મારી જરા પણ ચિંતા કરવાની નથી. દરેક દીકરીને સાસરે જવાનું જ હોય છે. એમાં ગભરાવાની ક્યાં જરૂર છે? તને તારી દીકરી પર વિશ્વાસ છે કે નહિ? હું તો મારી સાસરીમાં તારું નામ રોશન કરાવવાની છું બોલ ….. તારે સહેજે ય રડવાનું નથી હોં….. ”

અંજુનાં મમ્મી તો દીકરીના આવા સ્નેહભર્યા શબ્દો સાભળતાં જ રહ્યાં. સાસરે જતી દીકરી જાણે કે કોઇ વડીલની જેમ મમ્મીને આશ્વાસન અને હૈયાધારણ આપી રહી હતી… દીકરીનાં આવાં વાક્યોથી એ તો જાણે કે હળવાં ફૂલ બની ગયાં…વાહ દીકરી મળે તો આવી જ મળજો …અંજુના પપ્પા એની મમ્મીને ઘણું સમજાવતા પણ ખુદ અંજુએ જ્યારે મમ્મીને હૈયાધારણ આપી ત્યારે જ એમના જીવને શાંતિ પડી. …

Share This Article