દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશન અમદાવાદ સ્થિત અસારવા સિવિલ હોસ્પિટલ અને નજીકની સરકારી હોસ્પિટલોમાં આવતા દર્દીઓ અને તેમના સંબંધીઓને સસ્તા દરે રહેવાની અને જમવાની સુવિધા પૂરી પાડે છે. માનવતાની સેવાની યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપે, દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશન, શુક્રવાર, 20 જાન્યુઆરી, 2023 ના રોજ તેના અસ્તિત્વના 50 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે.
લાયન્સ ક્લબ ઓફ દિગ્વિજયનગર દ્વારા પ્રાયોજિત દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશનનું 1972 માં ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે રજિસ્ટ્રેશન થયું હતું અને 20 જાન્યુઆરી, 1973 ના રોજ તેણે કાર્ય શરૂ કર્યું હતું. ફાઉન્ડેશન પાસે સિવિલ હોસ્પિટલના ગેટ નંબરની 3 સામે ત્રણ બ્લોકમાં 250 થી વધુ રૂમ છે, જેમાં કોઈપણ જાત, સમૂદાય અને ધર્મને ધ્યાનમાં લીધા વગર દર્દીઓ અને તેમના પરિવારના સભ્યોને એકદમ સસ્તા દરે સુવિધા આપવામાં આવે છે. ફાઉન્ડેશન ખુબ સસ્તા દરે આરોગ્યમય ભોજન પણ પૂરું પાડે છે.
વર્ષ 2018 કે જ્યારે સેનોટોરિયમ બિલ્ડિંગનું ઉદઘાટન થયું હતું ત્યારથી તેમાં 15 લાખ લોકોથી વધુ લોકોને માનવતાની સેવા પ્રદાન કરી છે. આ પહેલાના 45 વર્ષ દરમિયાન, ફાઉન્ડેશને આશરે 34-35 લાખ લોકોને સેવા પૂરી પાડી છે.
“અમે પાછલા 50 વર્ષમાં લગભગ 50 લાખ લોકોને સેવા આપી છે. મુશ્કેલ સમયમાં આટલા બધા લોકોને સાથ આપવા માટે અમે પોતાને ભાગ્યશાળી માનીએ છીએ. અમે અમારા ભવ્ય અસ્તિત્વના 50 વર્ષ પૂર્ણ કરી રહ્યા છીએ, ત્યારે અમે લાયન્સ ક્લબ ઑફ દિગ્વિજયનગર અને અન્ય દાતાઓનો તેમના ઉદાર ભાવે યોગદાન માટે આભાર માનીએ છીએ કે જેઓ અમને લાખો લોકોની સેવા કરવામાં મદદરૂપ થયા છે. અમને વિશ્વાસ છે કે અમને આ જ પ્રકારનો સહકાર મળતો રહેશે. અમે જરૂરિયાતમંદોની સેવા કરવા તથા તેમના દુઃખ અને વેદનાને ઘટાડવામાં મદદરૂપ થવા માટે પણ પ્રતિબદ્ધ છીએ,” તેમ દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી ક્રિશ્નકુમાર શાહ સાથે મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ચંદ્રકાંત દલાલે જણાવ્યું હતું.
દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશન નોન-બીપીએલ દર્દીઓને પ્રતિ રાત્રી દીઠ વ્યક્તિ દીઠ રૂા.100 ના દરે પથારી આપે છે, જ્યારે બીપીએલ દર્દીઓને રાત્રિ દીઠ વ્યક્તિ દીઠ માત્ર રૂા. 20ના દરે આ સુવિધા પ્રદાન કરે છે. રૂા. 50 વધુ ચૂકવીને એસી રૂમ પણ મેળવી શકાય છે. સહવાસીઓને પણ માત્ર રૂા. ૩૫માં અમર્યાદિત ભોજન આપવામાં આવે છે. જેઓ રૂા. 35 ચૂકવવાનું પડવતું ન હોય તેમને વિનામૂલ્યે ભોજન આપવામાં આવે છે.
દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશન તેની સુવર્ણ જયંતિ નિમિત્તે આગામી 50 દિવસ સુધી તેના આવાસમાં રહેતા તમામ જરૂરિયાતમંદ દર્દીઓ અને તેમના પરિવારના સભ્યોને વિનામૂલ્યે રહેવા અને જમવાની સગવડ પૂરી પાડશે.
ફાઉન્ડેશન પાસે 250 થી વધુ રૂમવાળા ત્રણ બ્લોક છે જ્યાં તે દર્દીઓ અને તેમના પરિવારના સભ્યોને રહેવાની સગવડ પૂરી પાડે છે. તેનો પ્રથમ બ્લોક વિશ્વાન્તિ ગૃહ 50 વર્ષ જૂનો છે, સ્વજન ગૃહ પણ 50 વર્ષ જૂનો છે, જ્યારે તેનો ત્રીજો બ્લોક સેનેટોરિયમ 2018માં બનાવવામાં આવ્યો હતો. ફાઉન્ડેશન બે જૂના બ્લોકને તોડીને તેની જગ્યાએ બે ટાવર બનાવવાની યોજના ધરાવે છે.
“અમે રૂા. 20 કરોડના ખર્ચે બે જૂના બ્લોકના સ્થાને આગામી પાંચ વર્ષમાં બે 12 માળના ટાવર બનાવીશું. પ્રથમ બ્લોક તોડીને તેની જગ્યાએ આગામી અઢી વર્ષમાં વધુ સારી સુવિધાઓ સાથે ટાવર બનાવવામાં આવશે. ત્યારપછી, બીજા બ્લોકને તોડીને નવો ટાવર બનાવવામાં આવશે. બે જૂના બ્લોકમાં 88 રૂમ છે, જ્યારે નવા ટાવર્સમાં લગભગ 140 રૂમ હશે. જેથી અમને વધુ લોકોને સેવા આપવાની તક મળશે. અમે દાતાઓને પણ અપીલ કરીએ છીએ કે તેઓ તેમના મનથી દાનમાં અમને સહકાર આપતા રહે,” દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશનના ખજાનચી શ્રી રાજેન્દ્ર લાલવાણીએ જણાવ્યું હતું.
ફાઉન્ડેશને 20 જાન્યુઆરીએ તેની સુવર્ણ જંયતિ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. શ્રી ગોપાલ જગનાનીની અધ્યક્ષતા હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. શ્રી પૃથ્વિરાજ કાંકરીયા (ચેરમેન, રાજસ્થાન હોસ્પિટલ્સ) આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે સ્થાન શોભાવશે. ઉદ્યોગપતિ શ્રી જગદીશ અગ્રવાલ, શ્રી પ્રફુલ છાજેડ (ડિરેક્ટર, એસબીઆઈ) અને શ્રી રસિક પટેલ (લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ડિસ્ટ 3232B1) વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. નિવૃત્ત આઈપીએસ અધિકારી શ્રી જે. કે. ભટ્ટ, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય સચિવ શ્રી પી. કે. લહેરી અને અમદાવાદના કલેક્ટર શ્રી ધવલ પટેલ પણ શ્રી અપૂર્વ શાહ, શ્રી બકુલ પંડ્યા, શ્રી દીપક રાવલ, શ્રીમતી ઈન્દ્ર રાઠી, શ્રી નંદલાલ ન્યાતી અને શ્રી નિરંજન જાનીની યજમાની હેઠળના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.